શાહરુખ ખાનની દેવદાસ ફિલ્મને ૨૦ વર્ષ પૂરા થયા
મુંબઈ, સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસ ભવ્યતા માટે જાણીતી ફિલ્મ છે. સરતચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘દેવદાસ’ લગભગ ૨૦ વખત વિવિધ ભાષાઓમાં ફિલ્માવવામાં આવી છે. કેએલ સહગલ અને દિલીપ કુમારથી લઈને સૌમિત્ર ચેટર્જી અને પાઓલી ડેમ સુધી બધાએ આ પાત્રને પોતપોતાની શૈલીમાં ભજવ્યું છે. હવે ફરી એકવાર કોઇ ફિલ્મ સર્જક એને બનાવવાની વાત કરે તો નવાઇ નહીં.
દરેક ‘દેવદાસ’ની વાત અલગ છે, પરંતુ આજે આપણે વાત કરીશું, ફેન્સના દિલો પર રાજ કરતી શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ દેવદાસની. કારણ કે ૧૨ જુલાઈ, ૨૦૦૨ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને ૨૦ વર્ષ પૂર્ણ થઇ ગયાં છે.
૨૦ વર્ષ પહેલા જ્યારે સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસ રિલીઝ થઈ હતી, ત્યારે આ ફિલ્મ તેના ભવ્ય સેટ, ક્રિએટીવ અને શાનદાર પ્રોડક્શન માટે ખૂબ ચર્ચામાં આવી હતી. સુંદર સિનેમેટોગ્રાફી અને મનમોહક સંગીત સાથે આ ફિલ્મમાં શાહરુખ ખાન દેવદાસ તરીકે, ઐશ્વર્યા રાય પારો તરીકે, માધુરી દીક્ષિત ચંદ્રમુખી તરીકે અને જેકી શ્રોફ ચુન્નીલાલના રોલમાં હતા.
આ ક્લાસિક ફિલ્મનો જાદુ એવો છે કે આજે પણ તે દર્શકોને પસંદ છે. કહેવાય છે કે સંજય લીલા ભણસાલીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટને ભવ્ય બનાવવા માટે કોઇ કસર છોડી ન હતી. ભવ્ય સેટ બનાવવા માટે પાણીની જેમ પૈસા વહેડાવ્યા હતા.
રિપોર્ટ મુજબ, સંજયે શૂટિંગ માટે લગભગ ૭૦૦ લાઈટમેન અને ૪૭ જનરેટરનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય રીતે ૩-૪ જનરેટર પૂરતા હોય છે. મીડિયા રિપોર્ટના અનુસાર સંજયે ફિલ્મના સેટ પર એટલા બધા જનરેટર મંગાવ્યા હતા કે મુંબઇમાં લગ્નોમાં જનરેટરની કમી થઇ ગઇ હતી.
શાહરૂખ ખાન પણ આ ફિલ્મને પોતાના કરિયરની ખાસ ફિલ્મ માને છે. તેમાં કોઈ શંકા નથી કે અભિનેતાએ દેવદાસની ભૂમિકા પણ ધમાકેદાર રીતે ભજવી હતી. શાહરૂખે બંગાળી પાત્ર રઇસઝાદે દેવદાસની ભૂમિકામાં ફિટ થવા માટે ખૂબ જ મહેનત કરી હતી. તે પડદા પર પોતાના પાત્રને વાસ્તવિક દેખાડવા માટે શક્ય તમામ પ્રયત્નો કરતો પણ જાેવા મળ્યો હતો.
સ્ક્રિન પર તે હંમેશા કુર્તા અને ધોતીમાં જાેવા મળ્યો હતો. ફિલ્મમાં બધી ઇશ્ક-મોહબ્બત બરાબર હતી, પરંતુ ધોતીએ તેમને પરેશાન કરી દીધા હતા.
શાહરૂખે એક વખત જણાવ્યું હતું કે ટ્રેડિશનલ ડ્રેસ ધોતી વારંવાર ખુલી જતી હતી, જેના કારણે તેને શૂટિંગ દરમિયાન ઘણી તકલીફ પડતી હતી. કલાકારોએ શાનદાર અભિનય કર્યો હતો, પરંતુ ‘દેવદાસ’ની સફળતામાં આ ફિલ્મનું સંગીત પણ મોટો રોલ ધરાવે છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મ ટાઇમ મેગેઝિનની મિલેનિયમ વર્લ્ડ વાઇડની ટોપ ૧૦ મૂવીઝમાં સામેલ થઇ હતી.SS1MS