શાહપુર શિક્ષણ વિસ્તાર સમિતિ દ્વારા રાહતદરે નોટબુક-ચોપડાનું વિતરણ

અમદાવાદ, શાહપુર શિક્ષણ વિસ્તાર સમિતિના ઉપક્રમે જુના શાહપુર વોર્ડના રથયાત્રા માર્ગ પર આવેલ પોળો, ચાલીઓ, સેવા વસ્તીમાં વસતા, શાહપુરનું આધારકાર્ડ ધરાવતા, સનાતની પરિવારોના અભ્યાસ કરતા સંતાનોને “૧૦ રૂપિયામાં ૧૦ નોટબુક અને ૧૦ રૂપિયામાં ૧૦ ફૂલસ્કેપ ચોપડા” વિતરણ કરવાનું સેવાકાર્ય સતત ચોથા વર્ષે ભગવાન જગન્નાથના આશીર્વાદથી, રર મેના રોજ ભાવસાર હોલ શાહપુર ખાતે સવારે ૯.૦૦ કલાકે હાથ ધરવામાં આવશે.
૧૦૦ જેટલા છાત્ર-છાત્રાઓને આપવામાં આવનાર જ્ઞાનપોથીનું જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આજરોજ વિમોચન કર્યું હતું. વિમોચન પ્રસંગે સમિતિની જ્ઞાન વિસ્તારની વર્તમાન કપરાકાળમાં થઈ રહેલી પ્રવૃતિને બિરદાવીને સૌ સેવાભાવીઓને શુભકામના પાઠવી હતી. બાળકોને જ્ઞાનપોથીનો લાભ લઈ સુંદર ભવિષ્ય નિર્માણના પથ પર આગળ વધવા અપીલ કરી હતી.
શાહપુર શિક્ષણ વિસ્તાર સમિતિની જ્ઞાન વિસ્તાર પ્રવૃત્તિ અંગે સ્કૂલબોર્ડ અમદાવાદના પુર્વ ચેરમેન, ગુજરાત યુનિવર્સીટી પુર્વ ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે કોરોનાકાળથી સદગૃહસ્થોના સહકારથી જરૂરિયાતમંદ પરિવારોના સંતાનોની શિક્ષણરૂપી સેવા કરવાનું કાર્ય સતત ચોથા વર્ષે અવિરત રીતે ચાલી રહ્યું છે.
૧૦૦૦ જેટલા છાત્ર-છાત્રાઓને આ શિક્ષણ પ્રોત્સાહન યોજનાનો લાભ અપાશે. આખાયે અભિયાનનો મુળ હેતુ “સૌ ભણે, સૌ આગળ વધે, કોટ વિસ્તારનું નામ રોશન કરે.” રહેલ છે. આજના વિમોચન પ્રસંગે સેવાભાવી, ધર્મિષ્ઢ ધર્મેન્દ્ર પંડયા (સુદામા) અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
શિક્ષણ વિસ્તારની પ્રવૃત્તિમાં રાજેશ શુકલ, ભરત પ્રજાપતિ, શૈલેષ ભાવસાર, રાજેશ ભાવસાર, મુકેશ પંચાલ, ડો. અશ્વિન ભાવસાર, નીલેશ ભાવસાર, કલ્પેશ જોષી, ભદ્રેશ ત્રિવેદી, દિનેશ ભાવસાર, મિતેશ દવે, અભય શાહ, પીન્ટુ ભાવસાર સહિત કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.