‘કિંગ’ પછી શાહરૂખની નવી ફિલ્મ, સામંથા સાથે રોમાન્સ કરશે
મુંબઈ, શાહરૂખ ખાને એક્ટિંગમાં કમબેક કરતાની સાથે જ વર્ષમાં ત્રણ બ્લોકબસ્ટર ફિલ્મ આપી હતી. ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘ડંકી’માં શાહરૂખ અને રાજકુમાર હિરાણીએ પહેલી વાર સાથે કામ કર્યું હતું. હળવી છતાં ચોટદાર ફિલ્મો બનાવવા માટે જાણીતા હિરાણી અને શાહરૂખે પહેલી વાર સાથે આ ફિલ્મ કરી હતી. ‘ડંકી’માં શાહરૂખ અને તાપસીની જોડી પહેલી વાર ઓનસ્ક્રિન સાથે જોવા મળી હતી.
હિરાણી અને શાહરૂખ બીજી ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે. ફિલ્મની સ્ટોરી, કાસ્ટ ફાઈનલ હોવાનું કહેવાય છે. દેશભક્તિની સાથે રોમાન્સનો રંગ ધરાવતી આ ફિલ્મમાં સામંથા રૂથ પ્રભુ અને શાહરૂખનો રોમાન્સ જોવા મળશે. શાહરૂખ ખાન અત્યારે દીકરી સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ કરી રહ્યા છે. ‘કિંગ’નું શીડ્યુલ પૂરું થયા પછી શાહરૂખની કોઈ ફિલ્મ નક્કી થયેલી ન હતી.
દીકરી સુહાનાની પહેલી ફિલ્મમાં કોઈ કસર ના રહે તેવી શાહરૂખની ઈચ્છા હતી, તેથી તેમણે અન્ય કોઈ પ્રોજેક્ટ હાથ પર લીધો ન હતો. શાહરૂખ પોતાની પસંદગીની સ્ક્રિપ્ટ અને ડાયરેક્ટર માટે રાહ જોઈ રહ્યા હતા. રિપોટ્ર્સ મુજબ, શાહરૂખે આગામી ફિલ્મ ફાઈનલ કરી લીધી છે, જેનું ડાયરેક્શન રાજકુમાર હિરાણી કરવાના છે.
શાહરૂખ અને રાજકુમાર હિરાણીએ ગત વર્ષે રિલીઝ થયેલી ‘ડંકી’માં પહેલી વાર સાથે કામ કર્યું હતું. હિરાણીએ અગાઉ ‘મુન્નાભાઈ એમબીબીએસ’, ‘પીકે’, ‘૩ ઈડિયટ્સ’ જેવી હિટ ફિલ્મો આપેલી છે. હિરાણી સામાન્ય રીતે ગંભીર વિષયને હળવાશથી રજૂ કરતા હોય છે. તેમની આગામી ફિલ્મ દેશભક્તિના વિષય આધારિત હોવાનું કહેવાય છે.
આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ હજુ થયું નથી, પરંતુ તેની લીડ પેર ફાઈનલ થઈ ગઈ છે. સાઉથના સ્ટાર નાગાર્જુનના દીકરા નાગા ચૈતન્ય સાથે છૂટાછેડાના કારણે સામંથા રૂથ પ્રભુ ચર્ચામાં આવી હતી.
ત્યારબાદ સામંથાએ ‘પુષ્પા’માં આઈટમ સોન્ગ થકી બહોળી પ્રસિદ્ધિ મેળવી હતી. ‘પુષ્પા ૨’માં પણ સામંથાને સ્પેશિયલ સોન્ગ ઓફર થયું હતું. સામંથાએ સિરિયસ રોલની અપેક્ષા વ્યક્ત કરી હતી અને આ પ્રકારના રોલ માટે તૈયારી ન હોવાનું જણાવ્યું હતું. ગત વર્ષે સામંથાની ફિલ્મ ‘ખુશી’ રિલીઝ થઈ હતી.
આ ફિલ્મ ખાસ ચાલી ન હતી. સામંથાએ ત્યારબાદ વેબ સિરીઝ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. સામંથાના આગામી પ્રોજેક્ટમાં સિટાડેલના ઈન્ડિયન વર્ઝનનો સમાવેશ થાય છે. સામંથાએ હિન્દી ફિલ્મોમાં સિરિયસ રોલ મળવાની અપેક્ષા વ્યક્ત કરતી વખતે શાહરૂખ ખાન સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સામંથાની આ ઈચ્છા હવે ટૂંક સમયમાં પૂરી થવાની છે
. શાહરૂખ અને રાજકુમાર હિરાણીની ‘ડંકી’ને રૂ.૫૦૦ કરોડનું કલેક્શન મળ્યું હતું. શાહરૂખની અન્ય બે હિટ ફિલ્મો પઠાણ અને જવાનની સરખામણીએ આ કલેક્શન ઘણું ઓછું છે, પરંત હિરાણીના ડાયરેક્શન પર શાહરૂખને પૂરો ભરોસો છે.SS1MS