શાળા પ્રવેશોત્સવ શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ અને પરિવર્તનનું પ્રતીક બન્યો છે: ભૂપેન્દ્રસિંહ
સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઈકાલથી શરૂ થયેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ગરોડિયા, શેલા અને કાણેટીની પ્રાથમિક શાળાઓમાં પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નેતૃત્વમાં શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો.
As part of Kanya Kelavani Mahotsav and School Admission Ceremony-203 started all over Gujarat, a school entrance ceremony was celebrated in the primary schools of Garodia, Shela and Kaneti in Sanand, Ahmedabad under the leadership of former Minister Shri Bhupendrasinh Chudasama.
આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં શાળા મહોત્સવ શરૂ કર્યો હતો. તે સમયે ગુજરાત રાજ્યની શાળાઓમાં નામાંકન દર ૭૫% હતો. પરંતુ આજે એમના અથાક પ્રયત્નોથી એ દર ૧૦૦% થયો છે.
દરેક વાલીઓ તેમના દીકરા-દીકરીઓને ભણાવવા લાગ્યા છે. તેમના સપના પૂર્ણ કરવામાં તેમના ભાગીદાર બન્યા છે. આ બધું જ શક્ય થયું છે આવા અદભુત રીતે યોજાતા પ્રવેશોત્સવ અને સર્વ શિક્ષા અભિયાનને કારણે જે આપણા સૌ માટે ખૂબજ ગર્વની વાત છે, એમ તેમણે ઉમેર્યું હતું.
શેલા ખાતે બાળકોને સંબોધતાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ અને પરિવર્તનનું પ્રતીક બન્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શાળામાં મેળવેલા શિક્ષણ અને તાલીમ થકી તેમનો સર્વાંગી વિકાસ તથા જીવન ઘડતર થાય, એ તમામ શિક્ષકો અને વાલીઓ, એમ બંનેની જવાબદારી છે. વિદ્યાર્થીઓને સારા નરસાનું જ્ઞાન આપી પોતાના પગભર કરે તેમ કહી તેઓએ વિદ્યાર્થીઓ એ શિક્ષકો, વાલી અને સમાજની જવાબદારી છે, તેમ સમજાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકની ફરજ છે કે તે પાણી બચાવે, વીજળી બચાવે, સાથે જ પર્યાવરણનું જતન કરે અને વિદ્યાર્થીઓને પણ જીવન જરૂરિયાતમાં ઉપયોગી સંસાધનો અંગે માહિગાર કરાવવા અને તેમનું મહત્વ સમજાવવું, જેથી આવનારી પેઢીઓને તે પ્રાપ્ત થઈ શકે તેમ તેઓએ જણાવ્યું હતું. સાથેજ તેમણે તમાકુથી થતા કેન્સર જેવા રોગોની વાત પણ કહી હતી. જેથી નાની ઉંમરમાં અભ્યાસ કરતા ધોરણ ૮ – ૯ના વિદ્યાર્થીઓ તમાકુ જેવા પદાર્થોનું સેવન ન કરે અને ખોટા માર્ગે ન જતા રહે, એવી તાકીદ કરી હતી.
સમારંભના અંતમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, પ્રવેશ પામેલ તમામ વિદ્યાર્થીઓ પોતાની શાળા, પરિવાર અને સમાજનું નામ રોશન કરે અને દેશની વિકાસયાત્રામાં ભાગીદાર બને તેવી શુભેચ્છાઓ અને આશીર્વાદ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદના કાણેટી પ્રાથમિક શાળામાં ધોરણ -૧ માં ૭ કુમાર અને ૯ કન્યા એમ કુલ ૧૬ બાળકોને શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગત વર્ષે ધોરણ – ૩ અને ૮માં પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનાર કુલ ૭ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોની કુલ સંખ્યા ૩૪ રહી હતી.
તેવી જ રીતે શેલા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ ૧ માં કુલ ૫૯ અને ગરોડિયા ગામની પ્રાથમિક શાળામાં કુલ ૧૫ વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો. સાથેજ બંને શાળામાં ધોરણ ૩ થી ૮માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કુલ ૩૮ રહી હતી, જેમને મહાનુભાવાનો હાથે સન્માનવામાં આવ્યા હતા.
ત્રણેય શાળાઓમાં આંગળવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને સ્કેચબુક, રંગ, અને રમકડાની કીટ તથા ધોરણ ૯ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને નોટબુક અને સ્વાદ્યાયપોથીની કીટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો, ગામના સરપંચશ્રી, ગામના તલાટી અને વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. – મિતેષ સોલંકી