શાળા પ્રવેશોત્સવ પરિણામે ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકાથી ઘટીને ૩ ટકાએ પહોંચ્યો છે
શિક્ષક દિને શિક્ષકોની વંદના-રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૪૪ ગુરૂવર્યોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કર્યુ
વિદ્યાર્થીઓને શારિરીક રીતે બળવાન, વૈચારિક રીતે પ્રબુધ્ધ અને શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ બનાવવા જિમ્મેદારીપૂર્ણ કાર્ય કરવા શિક્ષકોને અનુરોધ કરતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
આઝાદીના અમૃતકાળમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આપેલા પાંચ સંકલ્પો સાકાર કરવા માટે શિક્ષકો જ આવનારી પેઢીને તૈયાર કરશે
પ્રાથમિક શિક્ષણ આપતી સ્કુલોનું ટેકનોલોજી આધારિત મુલ્યાંકન કરનારૂં સમગ્ર દેશમાં ગુજરાત એકમાત્ર રાજ્ય
શિક્ષણ “વેતન” નહીં પરંતુ “વતન”ની સેવા માટેનું નોબેલ પ્રોફેસન -શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન અવસરે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ૪૪ ગુરૂવર્યોનું સન્માન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે સૌ સમસ્યાનું સમાધાન શિક્ષણ જ છે. રાજ્ય અને સમાજના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષણ આવશ્યક પરિબળ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં શિક્ષક દિનના અવસરે આયોજીત કર્યો હતો.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોને શોલ, પ્રશસ્તિ પત્ર તથા પુરસ્કાર રાશિથી સન્માનિત કર્યા હતા. તેમણે ૬ વિદ્યાર્થીઓનું પણ તેમની શ્રેષ્ઠતા માટે શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી અને રાજ્યમંત્રી શ્રી કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સન્માન કર્યુ હતું.
-: રાજ્યપાલશ્રી :-
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શિક્ષક દિનના પવિત્ર અવસરે રાજ્યના શિક્ષકોને વિદ્યાર્થીઓને શારિરીક રીતે બળવાન, વૈચારિક રીતે પ્રબુધ્ધ અને શૈક્ષણિક રીતે યોગ્ય બનાવવાની દિશામાં સતત જિમ્મેદારીપૂર્ણ કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત સરકારના શૈક્ષણિક ક્ષેત્રના પ્રયાસોને બિરદાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા સાડા છ (૬.૫) વર્ષમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. ગુજરાત શિક્ષણ વ્યવસ્થા ક્ષેત્રે આ પ્રસંશનીય સિધ્ધી છે. તે દર્શાવે છે કે, રાજ્ય શિક્ષણ વ્યવસ્થા અને ખાસ કરીને શિક્ષકોની મહેનત, પરિશ્રમ અને વ્યક્તિત્વએ વાલીઓના દિલ અને વિશ્વાસ બંને જીત્યા છે એમ તેમણે ઉમેર્યુ હતું.
આજીવન શિક્ષક રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં મનાવવામાં આવતા શિક્ષકદિને રાજ્યપાલશ્રીએ પોતાના ૩૫ વર્ષના પ્રાધાનાચાર્ય તરીકેના સંસ્મરણો વાગોળ્યા હતા.
અત્રે નોંધનીય બાબત એ છે કે, રાજ્યપાલ શ્રી માત્ર ૨૧ વર્ષની વયે કુરૂક્ષેત્ર ગુરૂકૂળમાં પ્રાધાનાચાર્ય બન્યા હતા. સતત ૩૫ વર્ષ સુધી એક જ ગુરૂકૂળમાં આ હોદ્દા પર બિરાજમાન રહીને અનેક નવોન્મેષ વિચારો, નવીન પહેલ, જનકલ્યાણના કાર્યો અને કર્તવ્યનિષ્ઠાના પરિણામે કુરૂક્ષેત્ર ગુરૂકુળને તેમણે શિરમોર બનાવી છે તેની સંપૂર્ણ વિગતો પ્રેરણાગાથા તેમણે વિગતવાર રજૂ કરી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત અને સમગ્ર દેશમાં આફતને અવસરમાં પલટવાની કાર્યસંસ્કૃતિ વિકસાવી હોવાનું જણાવીને ગુજરાતના કચ્છમાં આવેલા ભૂંકપ બાદ કાયાપલટ થયેલ પરિસ્થિતિનું વર્ણન કરીને શિક્ષકો અને વિદ્યાર્થીઓને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા સાથે રાજ્યમાં કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવા, જમીનની ગુણવત્તા સુધારવા, પાક ઉત્પાદન વધારવા આદરેલા પ્રાકૃતિક કૃષિ અભિયાનનો સંદર્ભ આપી લોકોને તેના લાભાલાભના સ્વઅનુભવો વર્ણવીને પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવવાની પ્રેરણા આપી હતી.
પ્રત્યેક વ્યક્તિના જીવનમાં માતા, પિતા ઉપરાંત ગુરૂજનનું સ્થાન શ્રેષ્ઠ હોય છે અને આ ત્રણ વ્યક્તિઓ જ જીવનમાં શ્રેષ્ઠ પથદર્શક બને છે તેવો ભાવ શ્રી દેવવ્રતજીએ વ્યક્ત કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત તમામ લોકોને ઉદ્દેશીને જણાવ્યું હતુ કે, માનવ નિર્માણનું કાર્ય સૌથી મુશ્કેલ કાર્ય છે. બીજાના હ્રદયનું સ્પંદન પોતાના હ્રદયમાં કરીને બીજાના સુખમાં સુખી અને બીજાના દુ:ખમાં દુ:ખી થવાની શૈલી જે વ્યક્તિ અપનાવે છે તે જ ખરા અર્થમાં માનવી અને માનવતાની મિશાલ પ્રસ્થાપિત કરી શકે છે .
આ પ્રસંગે તેમણે દરેક માતા–પિતા અને શિક્ષકોને બાળકો તેમજ વિદ્યાર્થીઓને મહાપુરૂષોના જીવનસંઘર્ષની ગાથા અને આત્મકથા આત્મસાત કરાવવા માટે પણ અનુરોધ કર્યો હતો.
-: મુખ્યમંત્રીશ્રી :-
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પારિતોષિક પ્રાપ્ત શિક્ષકો અન્ય સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે એવો મત વ્યકત કરતાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે
આ અમૃતકાળ માટે વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને પાંચ સંકલ્પો આપ્યા છે તેમાં વિકસીત ભારતનું નિર્માણ, વિરાસત પર ગર્વ કરવું, ગુલામીની માનસિકતાનો જડમૂળથી નાશ અને એકતા વધારવા સાથે નાગરિક ધર્મના પાલનનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, દેશના અમૃતકાળ માટેના આ બધા જ સંકલ્પો સાકાર કરવા શિક્ષકો જ આવનારી પેઢીનું ઘડતર કરી તેને તૈયાર કરી શકે.
સમગ્ર દેશમાં ગુજરાત જ એકમાત્ર રાજ્ય છે જ્યાં પ્રાથમિક શિક્ષણ આપતી સ્કુલોનું ટેકનોલોજી આધારિત મુલ્યાંકન થાય છે તેમ જણાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાનિર્દેશ હેઠળ ટેકનોલોજીના માધ્યમથી શૈક્ષણિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્રની રાજ્યને નવી દિશા મળી હોવાનું મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કહે છે તેમ, કંકરમાંથી શંકર બનાવવાની તાકાત શિક્ષણમાં છે. આજે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના પરિણામે હજારોની સંખ્યામાં વિદ્યાર્થી અને તેમના વાલીઓનો સરકારી શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યવસ્થાઓ પર વિશ્વાસ વધ્યો છે અને ખાનગી શાળા છોડીને તેઓ સરકારી શાળા તરફ વળ્યા છે.
શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવના પરિણામે જ ગુજરાત રાજ્યમાં વીસ વર્ષ અગાઉનો ૩૭ ટકા જેટલો સ્કુલ ડ્રોપ આઉટ રેશીયો આજે ૨ થી ૩ ટકાએ પહોંચ્યો છે.
ગુજરાત સરકારે પણ સ્માર્ટ સ્કુલ, ડિજીટલ શિક્ષણનો અભિગમ અપનાવીને ટેકનોલોજીના પ્રવાહને રાજ્ય શિક્ષણને જોડ્યું છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ આજીવન શિક્ષક રહેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું સ્મરણ કરીને ઉપસ્થિત તમામ લોકોને આજીવન શીખતા રહેવાની શીખ આપી હતી.
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડબલ એન્જિનની સરકાર ‘બાળ દેવો ભવ’ના સૂત્રને ચરિતાર્થ કરી રહી છે..
શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પહેલ હાથ ધરીને વિદ્યાર્થીઓની શ્રેષ્ઠ કેળવણીના પ્રયાસો રાજ્ય સરકારે હાથ ધર્યાં હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું. શ્રી નરેન્દ્રભાઈએ માસ્તર થી ગુરુની ઓળખ ઉભી કરીને ઉપેક્ષિતથી અપેક્ષિત શિક્ષણની રાહ ચિંધી છે..
શિક્ષણ વેતન નહીં, પરંતુ વતન માટેનું નોબેલ પ્રોફેસન હોવાનું જણાવી શિક્ષકો કર્તવ્યનિષ્ઠાપૂર્ણ ફરજ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી રહ્યાં હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાજ્યના ૪૪ શ્રેષ્ઠ શિક્ષકો અને ૬ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક ક્ષેત્રમાં તેમની શ્રૈષ્ઠતા અને શિક્ષાના તપથી રાષ્ટ્રનિર્માણના સત્કાર્ય બદલ બહુમાન કરવામાં આવ્યું હતું..
આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી કિર્તીસિંહ વાઘેલા, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સાંસદ શ્રી હસમુખભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી રાકેશભાઇ શાહ, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે. હૈદર, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવ શ્રી વિનોદ રાવ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.