કોઈ બાળક નાણાંના અભાવે શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાજ્યમાં યોજનાઓ
દરેક વાલીઓને તેમના બાળકને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી તેમની કારકિર્દીના ઘડતરમાં સહભાગી થવા અનુરોધ કરતા મંત્રીશ્રી
દહેગામ તાલુકાની મિરઝાપુર, માછંગ મોટી, માણેકપુર અને નાની માછંગ પ્રાથમિક શાળામાં બાળકોને અપાયો પ્રવેશ
રાજ્યભરમાં ચાલી રહેલા ૧૭માં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાના ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના આજે બીજા દિવસે બાળકોને પ્રવેશ કરાવતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ શરૂ થયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના માધ્યમથી આજે રાજ્યમાં ડ્રોપ-આઉટ રેશિયોમાં ધરખમ ઘટાડા સાથે શૈક્ષણિક વિકાસમાં ક્રાંતિ આવી છે.
મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમારે દહેગામ તાલુકાની મિરઝાપુર પ્રાથમિક શાળામાં ૦૯, માછંગમોટી પ્રાથમિક શાળામાં ૧૯, માણેકપુર પ્રાથમિક શાળામાં ૦૫ અને નાનીમાછંગ પ્રાથમિક શાળામાં ૦૫ બાળકોને મળી કુલ ૩૮ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ તકે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજનું બાળક આવતી કાલના ભારતનું ભવિષ્ય છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૭ વર્ષ પહેલા શરુ કરવામાં આવેલા આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમના ફળ સ્વરૂપે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું છે અને સાથે જ છેવાડાના નાગરિકોમાં પણ શિક્ષણ અંગેની જાગૃતિ આવી છે.
મંત્રીશ્રીએ વાલીઓને અનુરોધ કરતાં કહ્યું હતું કે, બાળકોને ભણાવવાની જવાબદારી જેટલી એક શિક્ષકની છે, એટલી જ જવાબદારી તેના માતા-પિતાની પણ છે. ૨૧મી સદી એ જ્ઞાનની સદી છે અને એટલે જ દરેક વાલીઓએ તેમના બાળકને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરી તેમની કારકિર્દીના ઘડતરમાં સહભાગી થવું જોઈએ તેવો વિચાર મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. વધુમાં મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે, ગ્રામીણ અને શહેરી વિસ્તારોનું કોઈ પણ બાળક માત્ર નાણાંના અભાવે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં સહાય આપતી અનેકવિધ યોજનાઓ અમલીકૃત કરી છે. લોકો આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લઇ શિક્ષિત થાય અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી સહિત જિલ્લા-તાલુકા શિક્ષણાધિકારીશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા પંચાયતના સભ્યો, શાળાના આચાર્યો, શિક્ષકો, ગામના સરપંચશ્રી, ગામના અગ્રણીઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.