શંભુ કોફી બાર અને ડોન કા અડ્ડાને ગંદકી કરવા બદલ તાળાં મારી દેવાયાં

File
તંત્રએ કસૂરવારો પાસેથી રૂ. ૧.૧૬ લાખનો દંડ વસૂલ્યો
(એજન્સી)અમદાવાદ, શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સ્કવોડ વાન દ્વારા જાહેરમાં ગંદકી કરવા બદલ બોડકદેવ વોર્ડના બે ધંધાકીય એકમેને તાળાં મારી દેવામાં આવ્યાં છે.
બોડકદેવના એસજી હાઈવે પરના શંભુ કોફી બાર અને એસજી હાઈવેના સર્વિસ રોડ પરના ખુશી રેસ્ટોરાં કાફે (ડોન કા અડ્ડા) નામના બે ધંધાકીય એકમની બહાર જાહેર રોડ પર ગંદકી ફેલાઈ હતી. જેના કારણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સ્કવોડ વાન દ્વારા આ બંને ધંધાકીય એકમને તાળાં મારી દેવામાં આવ્યાં હતાં.
જાહેર રોડ પર ગંદકી કરતાં ધંધાકીય એકમો, શાકભાજી વેચતા ફેરિયા, પાનના ગલ્લા, ચાની કિટલી વગેરે સ્થળોએ ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતાં એકમો, તેમજ એકમમાં ડસ્ટબિન ન રાખવા જેવા મામલે સમગ્ર ઝોનમાં રોજેરોજ સોલિટ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે.
જે દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન કરનારા એકમો કે શખ્સો વિરુદ્ધ જીપીએમસી એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ કાયદેસરની કાર્યવાહી દૈનિક ધોરણે દિવસ દરમિયાન કરવામાં આવે છએ.આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે સવાર અને સાંજ સ્પેશિયલ સ્કવોડ કાર્યરત કરાઈ છે. આ સ્કવોડ દ્વારા જ બોડકદેવના બંને એકમને સીલ કરવામાં આવ્યા હતા.

ઉત્તર પશ્ચિમ ઝોનમાં તંત્રએ ૧૩૭ જેટલા એકમોની સઘન તપાસ કરી હતી અને આ પ્રકારનાં કૃત્ય બદલ ૧૧૨ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્રએ કસૂરવારે પાસેથી રૂ. ૧.૧૬ લાખનો આકરો દંડ પણ વસૂલ્યો હતો. આ ઉપરાંત સત્તાધીશોએ ૧૭.૫ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યાે હતો.