અભિનયમાં ચીટિંગ કરવાનો નવાઝુદ્દીન સિદ્દીકીને અફસોસ
મુંબઈ, નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારને ફિલ્મના દર્શકો તેના અભિનય અને ફિલ્મોની પસંદગી માટે ઓળખે છે, તેના ફૅન્સ માને છે કે નવાઝુદ્દીનને કામમાં પૈસાને બહુ મહત્વ આપતા નથી. ત્યારે નવાઝુદ્દીને તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યાે છે.
તેણે કહ્યું કે, સાઉથ ઇન્ડ્યિન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણુ વધારે વળતર આપે છે. તેથી તે સાઉથની ફિલ્મો કરે છે, પરંતુ તેમાં એક્ટિંગ બાબતેચીટિંગ કરતો હોઉં તેમ લાગે છે. તેને લાગે છે કે સાઉથની ફિલ્મોમાં તેનું પોતાના પાત્ર પર કોઈ નિયંત્રણ હોતું નથી, તેમજ તેની ડાયલોગ સમજાવવા માટે તેને સ્થાનિક લોકોની મદદની જરૂર પડે છે તેથી તે અભિનયમાં ચીટિંગ કરતો હોય તેવું લાગે છે.
નવાઝે સાઉથમાં રજનીકાંત અને વેંકટેશની ફિલ્મોમાં કામ કર્યું છે, તે અંગે તેણે કહ્યું,“જ્યારે હું ‘રમણ રાઘવ’ જેવી ફિલ્મોમાં કામ કરું છું, ત્યારે મારા ભાવ અને લાગણીઓ, મારા વિચારો અને મારો આત્મા બધું જ મારા નિયંત્રણમાં હોય. જ્યારે હું સાઉથની ફિલ્મો કરું છું, ત્યારે મને કોઈ બાબતની ખાતરી હોતી નથી.
પરંતુ મને બહુ સારું વળતર મળે છે, તેથી હું કામ કર્યા કરું છું. મને તેના માટે અપરાધ ભાવ પણ થાય છે, કે આટલા બધાં પૈસા આપી દીધાં પણ સમજાતું નથી કે શું કરી રહ્યા છીએ.” નવાઝ કહે છે કે, તેના માટે ચીટિંગ સાચો શબ્દ છે,“દર્શકોને એ ખબર નહીં પડે, પણ મને ખબર છે. આ એક જાહેરખબરમાં કામ કરવા જેવું છે.
એ પ્રોડક્ટ માટે મને કોઈ લાગણી નથી, મને માત્ર મને મળતાં પૈસા જ દેખાય છે.” સાથે નવાઝુદ્દીન એવું પણ કબૂલે છે કે તે પૈસા માટે કામ કરતો નથી, પરંતુ આ કળા માટેના પ્રેમના કારણે કરે છે.SS1MS