શંકર ચૌધરી નિયુક્તિ થયા ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની સ્ટેન્ડીંગ કમિટીમાં
ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની સ્ટેન્ડીંગ કમિટીમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની નિયુક્તિ
રાજ્યના વિકાસમાં વિધાનસભા ગૃહમાં થતી ચર્ચાઓ મહત્વની હોય છે. જે અંતર્ગત સંસદીય કાર્યપ્રણાલી પ્રજાલક્ષી અને પરિણામલક્ષી બનાવવાના હેતુસર ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની કોન્ફરન્સ જયપુર ખાતે યોજવામાં આવી છે.
લોકસભાના અધ્યક્ષશ્રી દ્વારા કોન્ફરન્સના સંચાલન અને આયોજન માટે સ્ટેન્ડિંગ કમિટી ફોર ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સ ની રચના કરવામાં આવેલી છે. જે કમિટીના સભ્ય તરીકે ગુજરાત વિધાનસભાના નવનિયુક્ત અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને નિયુક્ત કરવામાં આવ્યા છે.
દેશની વિધાનસભાના તમામ અધ્યક્ષશ્રીઓની દર બે વર્ષે કોન્ફરન્સ યોજાય છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ વર્ષમાં ચાર વખત યોજવામાં આવે છે. આ કમિટીમાં લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ બિરલા અધ્યક્ષ અને રાજ્યસભાના ઉપાધ્યક્ષશ્રી હરિવંશ ઉપાધ્યક્ષ છે.
દેશની અલગ અલગ વિધાનસભાના અધ્યક્ષશ્રીઓ પૈકી આઠ અધ્યક્ષશ્રીઓની કમિટીમાં સભ્ય તરીકે વરણી કરવામાં આવે છે. આ કમિટીમાં સભ્ય તરીકે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી, રાજસ્થાનના અધ્યક્ષશ્રી સી.પી.જોષી, મેઘાલયના અધ્યક્ષશ્રી મેતબાહ લાયાન્દોહ, ઝારખંડના અધ્યક્ષશ્રી રાજેન્દ્રનાથ મહતો, મધ્યપ્રદેશના અધ્યક્ષશ્રી ગિરીશ ગૌતમ,
તમિલનાડુના અધ્યક્ષશ્રી એમ. અપ્પાવુ, આસામના અધ્યક્ષશ્રી બીશ્વજીત દૈમાયા છે. જે કમિટીની મિટિંગ 10 જાન્યુઆરીના રોજ જયપુર ખાતે યોજાશે. ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની કમિટીની મિટિંગ બાદ 11 જાન્યુઆરી થી 13 જાન્યુઆરી સુધી લોકસભા અધ્યક્ષશ્રી – ઉપાધ્યક્ષશ્રી, રાજ્યસભાના ઉપાધ્યક્ષશ્રી તેમજ દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષશ્રીઓની કોન્ફરેન્સ રાજસ્થાનના જયપુર ખાતે યોજાશે.