Western Times News

Gujarati News

શાંતિ એશિયાટિક સ્કૂલને શિક્ષણ મંત્રાલયે ‘સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22’ એવોર્ડ એનાયત કર્યો 

Shanti Asiatic School awarded with ‘SWACHH VIDYALAYA PURASKAR 2021-22’ by the Ministry of Education

અમદાવાદઃ ચિરિપાલ ગ્રૂપ દ્વારા સંચાલિત ભારતમાં સીબીએસઇ સ્કૂલ્સની અગ્રણી ચેઇન શાંતિ એશિયાટિક સ્કૂલ (એસએએસ)ના બોપલ યુનિટને ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા “સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર 2021-22” એનાયત થયો છે.

સ્કૂલનું આ સીમાચિહ્ન વિદ્યાર્થીઓનું સારું સ્વાસ્થ્ય, તેમની હાજરીમાં વધારો કરવા, ડ્રોપઆઉટ દરમાં ઘટાડો કરવામાં અને શ્રેષ્ઠ શૈક્ષણિક પરિણામો તરફ દોરી જતી સ્વચ્છતા અને સાફસફાઈની પ્રેક્ટિસ સાથે શ્રેષ્ઠ માળખાગત સુવિધા પ્રદાન કરવાની એની કટિબદ્ધતા દર્શાવે છે.

આ પુરસ્કાર માટે અમદાવાદ જિલ્લાની 1,800થી વધારે શાળાઓ સહભાગી થઈ હતી. મજબૂત સ્પર્ધા થવા છતાં એસએએસને દરેક કેટેગરીમાં ઉત્કૃષ્ટતા બદલ ફાઇવ સ્ટાર મળ્યાં હતાં. એવોર્ડ સરદાર પટેલ હોલ જિલ્લા પંચાયતમાં અમદાવાદના ડીડીઓ અને ડેપ્યુટી ડીડીઇઓ દ્વારા એનાયત થયો હતો.

આ પુરસ્કાર સ્વીકારતાં એસએએસ બોપાલના ડિરેક્ટર-પ્રિન્સિપલ શ્રી અભય ઘોષે કહ્યું હતું કે, “અમને ચાલુ વર્ષે “સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર” સ્વીકારવાની અતિ ખુશી છે. શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે અમારા વિદ્યાર્થીઓના આરોગ્ય અને સુખાકારી ઉપર હંમેશા અમારું ધ્યાન કેન્દ્રિત રહ્યું છે

તેમજ શાળામાં સતર્કતા તથા પાણી, સ્વચ્છતા અને સાફસફાઇની ઉત્તમ સુવિધાઓ દ્વારા તેને સુનિશ્ચિત કર્યું છે. અમે બાળકોને બિમારીથી સુરક્ષિત રાખવા અને શાળામાં સ્વસ્થ વાતાવરણની રચના કરવા સાફસફાઈ અને સ્વચ્છતાની પ્રેક્ટિસ સાથે અમારા માળખાને સંકલિત કરવામાં ઉત્કૃષ્ટતા ધરાવીએ છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે, “હું મારી સંપૂર્ણ ટીમનો આભારી છું, જેમણે સંકુલમાં સ્વચ્છતા જાળવવા તેમના પ્રયાસો કર્યા છે. અમે બાળકો અને અમારી સાથે જોડાયેલા માતાપિતાઓ માટે કામ કરવા અમારી કામગીરી જાળવવા અતિ સકારાત્મક છીએ.”

સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર (એસવીપી) શાળાઓમાં સાફસફાઈ અને સ્વચ્છતાની ઉત્કૃષ્ટ પ્રેક્ટિસને બિરદાવવા, પ્રેરિત કરવા અને એની ઉજવણી કરવા ભારત સરકારનું શિક્ષણ મંત્રાલય એનાયત કરે છે.

એસવીપીનો ઉદ્દેશ સ્વચ્છ વિદ્યાલય અભિયાનના માપદંડો પૂર્ણ કરવા માટે જે શાળાઓએ મહત્વપૂર્ણ પગલાં લીધા છે એમને સન્માનિત કરવાનો છે. એસવીપી WASH માળખા, સ્વચ્છતાની પ્રેક્ટિસ અને કોવિડ-19ને અનુરૂપ અભિગમના આઇટી-સક્ષમ મૂલ્યાંકન પર આધારિત છે.

મૂલ્યાંકન માટેની કેટેગરીઓ પાણી, સાબુ સાથે હાથ ધોવા, કામગીરી અને જાળવણી, અભિગમમાં પરિવર્તન અને ક્ષમતા નિર્માણ તથા કોવિડ-19 માટે સજ્જતા અને પ્રતિભાવ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.