શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગની ઘટના બાદ તપાસ સુધી શાળા બંધનો આદેશ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગુરૂવારે લાગેલી આગની ઘટનાને લઇને આજે વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાલીઓની ફરિયાદ બાદ આગની ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાંતિ એશિયાટિક સ્કૂલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીના ભાવિને ધ્યાનમાં રાખતાં શાળા બંધ રહેશે તે દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવામાં આવશે.
બુધવારે શાંતિ એશિયાટિક સ્કૂલમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સર્જાઇ હતી, ત્યારબાદ શાળા સંચાલકો દ્વારા સમગ્ર મામલા પર પડદો પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. મોકડ્રીલનું આયોજન કરવામાં આવી કહીને ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ વાલીઓને જાણ થતાં આજે (શુક્રવારે) વાલીઓ સ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો.
ત્યારબાદ તંત્ર સફાળું જાગી ગયું હતું અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળાને બંધ કરવાનો આદેશ આપ્યો છે. અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કૃપા ઝાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તબક્કે શાળાની બેદકારી છે. હાલમાં બાળકો માટે શાળાનું બિલ્ડીંગ સલામત છે કે કેમ તે સુનિશ્વિત થયા બાદ જ શાળાને ખોલવાની પરવાનગી આપવામાં આવશે.
આજે જ તમામ તપાસની પ્રક્રિયા થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવશે. જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બાળકોના શિક્ષણ સાથે કોઇ ચેડા કે સમધાન કારી વલણ ચલાવી લેવામાં આવશે નહી, શાળા બંધ રહેશે તે દરમિયાન વિદ્યાર્થીઓને ઓનલાઇન એજ્યુકેશન પુરૂ પાડવામાં આવે તે અંગે લેખિત બાંહેધરી લેવામાં આવશે. શરૂઆતમાં શાળા સંચાલકો અને મેનેજમેન્ટ આગ લાગી હોવાની વાતને સ્વિકારવા માટે તૈયાર જ નહી.
સ્કૂલ સંચાલકો દ્વારા સમગ્ર ઘટનાને એક મોકડ્રીલમાં ખપાવી દેવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પહેલાં સીસીટીવી બતાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સ્ટાફ ઓછો હોવાનું અને સીસીટીવી એક્સસ ન હોવાનું કહીને આનાકાની કરવામાં આવી રહી હતી,