Western Times News

Gujarati News

શારદાબેન હોસ્પિટલમાં પ્લાન મંજૂરી-રજા ચિઠ્ઠી વિના જ ૬ માળનું બાંધકામ થઈ ગયું

File Photo

મ્યુનિ. હોદ્દેદારો ઉદ્‌ઘાટન કરવા તત્પર-બે દિવસ પહેલાં જ પ્લાન મંજૂરી માટે સબમીટ થયો પાર્કિગની જગ્યાના અભાવે હોસ્ટેલના બેઝમેન્ટમાં પાર્કિગ બનશે 

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં નાના – મોટા કોઈપણ પ્રકારના બાંધકામ કરવા માટે પ્લાન મંજુરી અને રજા ચીઠ્ઠી ફરજીયાત છે તે સિવાય બાંધકામ થઈ શકતા નથી તથા જો પ્લાન મંજુરી કે રજા ચીઠ્ઠી સિવાય બાંધકામ કરવામાં આવે તો તેની સામે કોર્પોરેશન દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવે છે

પરંતુ આ નિયમ માત્ર નાગરિકો માટે જ બનાવવામાં આવ્યો હોય તેમ લાગી રહયું છે. જેનું મુખ્ય કારણ એ છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહેલ શારદાબેન હોસ્પિટલનું સિવિલ કામ લગભગ પૂર્ણ થવાના આરે છે ત્યારે જ પ્લાન મંજુરી માટે મુકવામાં આવ્યા છે અને હજી સુધી રજા ચીઠ્ઠી મળી નથી તેમ છતાં મ્યુનિ. હોદ્દેદારો તેનું ઉદ્‌ઘાટન કરવા તત્પર બન્યા છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ શારદાબેન હોસ્પિટલમાં મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ તૈયાર કરવા માટે અશોક મીલ કંપાઉન્ડમાં બહુમાળી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે.

જેના માટે રૂ.રરપ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ હોસ્પિટલમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર તથા તેની ઉપર ૬ માળનું બાંધકામ કરવાનું આયોજન હતું જે પૂર્ણ થઈ ગયું છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આટલું બાંધકામ થઈ ગયા બાદ હોસ્પિટલના પ્લાન મંજુરી માટે બે દિવસ અગાઉ જ તૈયાર કરવામાં આવ્યા છે. જયારે બાંધકામની રજાચીઠ્ઠી હજી અધ્ધરતાલ છે તેનો સીધો મતલબ એ થાય છે કે જીડીસીઆરના બધા નિયમો માત્ર નાગરિકોને જ લાગુ પડી રહયા છે. તંત્રને આવા કોઈ નિયમો લાગુ પડતા નથી.

મ્યુનિ. કોર્પોરેશનના આંતરિક સુત્રોએ જણાવ્યા અનુસાર શારદાબેન હોસ્પિટલના મુળ પ્લાનમાં હોસ્પિટલ બિલ્ડીંગ તેમજ તેની સામે ૧૮ હજાર ચો.મી. જગ્યામાં મલ્ટી સ્ટોરી પા‹કગ તથા હોસ્પિટલ બિલ્ડીંગની પાછળ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનાવવાનું હતું. મલ્ટી લેવલ પા‹કગમાં નીચેના ભાગે કેન્સર હોસ્પિટલ પણ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો.

આમ હોસ્પિટલ માટે ૧૮ હજાર ચો.મી. જગ્યામાં મલ્ટીલેવલ પા‹કગ બનાવવાનું હતું તથા તે મુજબ જ તેનો પ્લાન તૈયાર કરવાનો હતો પરંતુ કોઈ કારણોસર ૧૮ હજાર ચો.મી. જમીન મામલે લીટીગેશન થતાં તે જગ્યા કોર્પોરેશનને મળી નથી. જેના કારણે છ માળની હોસ્પિટલમાં પા‹કગની સુવિધા જ રહેતી ન હતી. એમ કહેવાય કે અહીં એસ.વી.પી. હોસ્પિટલ જેવો જ ઘાટ થયો છે. આમ હોસ્પિટલ માટે પા‹કગની જગ્યા ઉપલબ્ધ ન થતાં પ્લાન મંજુરી માટે સબમીટ કરવામાં આવ્યા ન હતાં પરંતુ તેનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું અને છ માળ સુધીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.

શારદાબેન હોસ્પિટલનું બિલ્ડિંગ તો તૈયાર થઈ ગયું છે પરંતુ ખાટલે મોટી ખોટ પા‹કગની રહે છે તેથી કન્સલ્ટન્ટ સ્કાય લાઈન કંપની દ્વારા પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને અગાઉ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલના જે બે અલગ અલગ બિલ્ડીંગ બનાવવાના હતા તેના બદલે બંનેનું એક જ બિલ્ડીંગ બનાવવામાં આવશે. તેમજ તેમાં પા‹કગ માટે બે બેઝમેન્ટ બનાવવામાં આવશે

જે શારદાબેન હોસ્પિટલના પા‹કગ તરીકે પ્લાનમાં દર્શાવવામાં આવ્યા છે.. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્લાન મંજુરી માટે બે દિવસ અગાઉ સબમીટ કરવામાં આવ્યા છે પરંતુ હજી સુધી રજા ચીઠ્ઠી ઈશ્યુ થઈ નથી. તેમ છતાં મ્યુનિ. હોદ્દેદારો કોઈપણ સંજોગોમાં ઓગસ્ટ મહિના સુધી હોસ્પિટલનું લોકાર્પણ કરવા તત્પર બન્યા છે. હોદ્દેદારોનું માનવું છે કે હોસ્પિટલનું બિલ્ડીંગ તૈયાર થઈ ગયું છે તેથી ઓગસ્ટમાં લોકાર્પણ કરવામાં કોઈ વાંધો નથી

જયારે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ જયારે બનશે ત્યારે તેના લોકાર્પણ થશે. જોકે અહીં એ બાબત નોંધવી રહી કે માત્ર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે તો તે પણ પા‹કગ વિનાની હોસ્પિટલ હશે જે કાયદાકીય રીતે ખોટી સાબિત થઈ શકે છે. મ્યુનિ. ભાજપના સુત્રોએ જણાવ્યા મુજબ બિલ્ડિંગ પ્રોજેકટના ઈજનેર ઈચ્છે તો કામ પૂર્ણ થઈ શકે તેમ છે. બિલ્ડીંગ પ્રોજેકટ એડીશનલ ઈજનેર આ મામલે અંગત રસ લઈ રહયા હોય તેમ લાગી રહયું નથી જેના કારણે સમગ્ર મામલો મ્યુનિ. કમિશનરે હાથમાં લીધો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.