શેરબજારના નામે ઠગાઈ કરતા વધુ ૪ આરોપીઓ ખેરાલુથી ઝડપાયા
કાનપુરના ગ્રાહક પાસેથી રૂ.૬.૪૦ લાખ પડાવ્યા હતા ઃ ૧૧.૪ર લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
મહેસાણા, શેરબજારમાં વધુ નાણાં કમાવવાની લાલચ આપી રોકાણના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેનારી વધુ એક ટોળકી ખેરાલુથી ઝડપાઈ છે. એક ગ્રાહક પાસેથી રૂ.૬.૪૦ લાખ ખંખેરી લીધા બાદ તેણે ફરિયાદ કરવાનું કહેતાં બેન્કના ખાતામાં નાણાં ભરવા જઈ રહેલા ચાર જણાને એલસીબીએ રૂ.૧૧.૪ર લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મહેસાણા જિલ્લા પોલીસ વડા ડો. તરૂણ દુગ્ગલની સૂચનાથી એલસીબી પીઆઈ જે.પી.સોલંકીએ વિવિધ ટીમો બનાવી શેરબજારના નામે છેતરપિંડીની પ્રવૃત્તિ અંગે વોચ રાખી આવા તત્વોને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા છે. જે અંતર્ગત પીએસઆઈ એન.પી.પરમાર સહિત સ્ટાફ ખેરાલુ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ રવિકુમારને મળેલી બાતમી આધારે ખેરાલુ આઈડીએફસી બેન્ક સામે દર્શન હોટલ આગળથી સ્ટોક એકસચેન્જના
કોઈપણ પ્રકારના લાયસન્સ વગર પોતાના મોબાઈલથી લોકોનો કોન્ટેકટ કરી એન્જલ વન એપ્લીકેશનથી શેરબજારના ભાવની વધઘટ જોઈ શેરબજારમાં વધુ કમાવવાની ટીપ્સ આપી લોકોને શેરની લે-વેચનો ધંધો કરાવી, જેનું કમિશન મેળવી છેતરપિંડી કરવાની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઠાકોર રાકેશજી હેમરાજજી, ઠાકોર દિલીપજી કુવરજી (બંને રહે. વડનગર, અમરધોળ દરવાજા, ઠાકોરવાસ), ઠાકોર વિક્રમજી એદુજી (રહે. શોભાસણ, ઉંઢાઈ કેનાલ, તા.વડનગર) તથા પ્રજાપતિ અશોકભાઈ છગનલાલ (રહે. વડનગર, ઘાંચીઓળ)ને ઝડપી લીધા હતા.
પ્રાથમિક પુછપરછમાં તેમણે ગ્રાહક હોશિયારસિંગ યાદરામસિંગ (રહે. ફજલગંજ રેલવે કોલોની, કાનપુર, ઉત્તર પ્રદેશ) પાસેથી આ પ્રકારે ટુકડે ટુકડે રૂ.૬.૪૦ લાખ પ્રજાપતિ અશોકના બેન્ક ખાતામાં નખાવી પડાવી લીધા હોવાનું ખુલ્યું હતું. જોકે પૈસા પરત ન આપ્યા હોઈ હોશિયારસિંગે ફોન કરીને ફરિયાદ કરવાનું કહેતાં તેઓ અટિંગા કારમાં રૂ.૬,૦ર,પ૦૦ લઈને હોશિયારસિંગના ખાતામાં ભરવા માટે આઈડીએફસી બેન્કમાં આવ્યા હોવાનું તેઓએ પોલીસને જણાવ્યું હતું.
પોલીસે ચાર મોબાઈલ, રોકડ રૂ.૬,૦ર,પ૦૦, અર્ટીકા ગાડી મળીને કુલ રૂ.૧૧,૪ર,પ૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ચારેય સામે ખેરાલુ પોલીસ મથકે છેતરપિંડી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.