શીકા – હિંમતનગર સ્ટેટ હાઇવે પર ગાંડા બાવળનું સામ્રાજ્ય
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના હાર્દ સમા શીકા થી હિંમતનગર સ્ટેટ હાઇવે પર આજુબાજુ ગાંડા બાવળિયા તેમજ અન્ય જંગલી વૃક્ષો ફેલાતાં સામેથી આવતાં વાહનો પણ દેખાતા નથી અને જ્યાં જાેખમી વળાંક છે ત્યાં વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા અને બાયડ તાલુકાના લોકો માટે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર જવા માટેનો સરળ માર્ગ શીકા થી હિંમતનગરનો સ્ટેટ હાઇવે છે અને રોજના અસંખ્ય વાહનો આ રોડ પરથી પસાર થાય છે.
તેમજ આ સ્ટેટ હાઇવે પર અનેક નાના મોટા ગામડાઓ વસેલા હોવાથી આ રોડ પર વાહનોની પણ પુષ્કળ પ્રમાણમાં અવર જવર રહે છે, ત્યારે આ હાઇવેની બંને બાજુ ગાંડા બાવળો અને અન્ય જંગલી વૃક્ષો ફેલાતાં વાહન ચાલકો સતત ભયના ઓથાર હેઠળ મુસાફરી કરી રહ્યા છે જેને લઇ વાહન ચાલકોની તેમજ હાઇવે પર વસેલા ગામડાઓના લોકોની માંગ છે કે તંત્ર દ્વારા સત્વરે હાઇવેની આજુબાજુ ફેલાયેલા ગાંડા બાવળ અને અન્ય જંગલી વૃક્ષોને કાપી સીકા થી હિંમતનગર હાઇવેને ખુલ્લો કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટા અકસ્માતને ટાળી શકાય…