Western Times News

Gujarati News

પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા શેલામાં વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી

File Photo

અમદાવાદ, અમદાવાદના ડેવલપ્ડ વિસ્તારોમાં ગણાતા શેલા વિસ્તારમાં ફરી રસ્તો ધોવાયો છે. રસ્તા પર ઠેર ઠેર કમરતોડ ખાડા પડ્યા છે જેના કારણે વાહનચાલકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. આ જ રસ્તે અગાઉ પણ વિશાળકાળ ભુવો પડ્યો હતો. અમદાવાદમાં ફરી શેલા વિસ્તારમાં રસ્તો ધોવાયો છે. સવારથી શરૂ થયેલા થોડા વરસાદમાં જ શેલામાં રોડ ધોવાઈ ગયો છે.

હજુ મહિના પહેલા જ આ વિસ્તારમાં વિશાળકાય ભુવો પડ્યો હતો અને રસ્તા પર ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. અનેક જગ્યાએ રોડ પર ખાડા પડ્યા હતા. શહેરના ડેવલપ્ડ વિસ્તારમાં ગણાતો આ રોડ થોડા વરસાદમાં જ ધોવાઈ જાય છે અને ઠેકઠેકાણે કમરતોડ ખાડા પડ્યા છે. વાહનચાલકો આ ખાડામાંથી પસાર થવા મજબુર બન્યા છે.

શેલા વિસ્તારના રસ્તાઓને જોતા તો એવુ લાગે કે અમ્યુકો ના અધિકારીઓ જાણે નાગરિક શાસ્ત્ર ભણ્યા જ નથી. જે લોકો ટેક્સ ભરે છે તેમને સારી સુવિધા સુવિધા પણ મળી રહે તે જોવાની ફરજ અમ્યુકો.ની છે પરંતુ રોડ રસ્તાના કામમાં માનીતા અને મળતિયા કોન્ટ્રાક્ટ્રરોને કોન્ટ્રાક્ટ ફાળવી દઈ ભાગબટાઈનો ખેલ ચાલે છે. રોડ-રસ્તાના કામમાં કરોડોના ટેન્ડર પાસ કરાવી હલ્કુ મટિરીયલ વાપરી રોડ બનાવી દેવામાં આવે છે, જેના કારણે રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ અને ભુવાઓ પડે છે.

અગાઉ શેલા વિસ્તારમાં પડેલા ભુવા અંગે ગુજરાત હાઈકોર્ટે પણ અમ્યુકોની પોલ ખુલ્લી પાડી હતી. શેલામાં રોડ રસ્તા, ખાડા અને ભુવાને લઈને કામગીરી કરી હોવાના કોર્પોરેશને દાવા કર્યા હતા. જેના પર કોર્ટે કોર્પોરેશનની ઝાટકણી કાઢી હતી અને પોલ ખુલ્લી પાડતા કહ્યુ હતુ કે શેલામાં હજુ અગાઉ પડેલા ભુવા અને રસ્તા પરના ખાડા દૂર થયા નથી.

એક બાજુનો રોડ હજુ બંધ જ છે. હાઈકોર્ટની ઝાટકણી બાદ પણ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં કોઈ કામગીરી થઈ નથી અને હજુ અહીં ડ્રેનેજની કોઈ સુવિધા નથી. આ વિસ્તારમાં પ્રોપર્ટીના કરોડોમાં ભાવ ચાલે છે અને રસ્તા પર પાણીના નિકાલની કોઈ સુવિધા જ નથી. ત્યારે હાલ શેલા વિસ્તારમાં લોકો દુર્દશામાં જીવવા મજબુર બન્યા છે. અગાઉ પડેલા ભુવાનું કોઈ નિરાકરણ આવ્યુ નથી. એકસાઈડનો રસ્તો પુરો બંધ છે, જે રસ્તો ચાલુ છે ત્યાં મોટી માત્રામાં પાણી ભરાયા છે અને કમરતોડ ખાડા પડેલા છે ત્યારે આ સમસ્યામાંથી કોર્પોરેશન ક્યારે લોકોને મુક્તિ આપે છે તે જોવુ રહ્યુ !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.