શીલજ ગામમાં જાહેરમાં રમાતા જુગારધામ પર દરોડાઃ રૂ.૧૬ લાખ જપ્ત

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના છેવાડે આવેલા શીલજ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરીને હાઈપ્રોફાઈલ જુગારધામ ઝડપી લીધું છે. એસએમસીએ રેડ દરમિયાન ૧૬ લાખ રોકડ, મોબાઈલ ફોન, વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. શીલજ ગામમાં જાહેરમાં ૧૪ જુગારીયા જુગાર રમતા હતા ત્યારે એસએમસીની ટીમે રેડ કરીને કાર્યવાહી કરી હતી.
એસએમસીની ટીમને બાતમી મળી હતી કે, શીલજ ગામમાં કેટલાક સ્થાનિક લોકો મોટાપાયે જુગારનો અડ્ડો ચલાવી રહ્યા છે. બાતમીના આધારે એસએમસીની ટીમે રેડ કરવાનો પ્લાન કર્યો હતો અને ટીમલ બનાવીને શીલજ ગામમાં પહોંચી ગઈ હતી. એસએમસીએ રેડ કરતાંની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એસએમસીએ પ્લાનિંગ સાથે રેડ કરતાં ૧૪ જુગારી રંગે હાથ ઝડપાઈ ગયા હતા જેમની પાસેથી ૧૬ લાખ રૂપિયા રોકડ મળી આવી છે.
તમામ જુગારિયા સ્થાનિક હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે. એસએમસીએ રેડ દરમિયાન વાહનો તેમજ મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. જુગારિયા અંદર-બહારનો જુગાર રમતા હતા. એસએમસીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ સિવાય બોપલ પોલીસે પણ ઘુમામાંથી જુગારધામ ઝડપી પાડયું છે. બોપલ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ઘુમા ગામમાં જાહેરમાં જુગારનો અડ્ડો ધમધમી રહ્યો છે. બાતમીના આધારે બોપલ પોલીસની ટીમે રેડ કરીને પામંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ૩૯ રોકડ સાથે રાકેશ વાઘેલા, રમેશજી ઠાકોર, અવતાર ઠાકોર, વિષ્ણુજી વાઘેલા, મનોજ ઠાકોરની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે.
બીજી તરફ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ જુગારધામનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી સુમીનપાર્ક સોસાયટીના બીજા માળે રાજુ પટેલ નામનો શખ્સ બહારથી જુગારિયાને બોલાવીને જુગાર રમી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરી જુગારધામ ઝડપી લીધું હતું. ક્રાઈમ બ્રાન્ચે રેડ દરમિયાન રાજીવ ઉર્ફે રાજુ પટેલ, મહેન્દ્રસિંગ ઉમટ, દિનેશ ભીલ, હબીબ બેલીમ, દશરથ ઉર્ફે ભીમો ઠાકોર,
રવિ ઉર્ફે પપ્પુ મહેતા, અરૂણ શાહ, પરાગ શાહ અને કૌશિક ચાંપાનેરીની ૩૮ હજાર રોકડા સાથે ધરપકડ કરી છે. રેડ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે સાત મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચે કુલ એક લાખથી વધુ મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. રાજુ પટેલ તેના ઘરનો કલબની જેમ ઉપયોગ કરતો હતો. લકઝુરિયસ સુવિધાઓ આપીને રાજુ જુગારિયા પાસેથી બેસવા માટેનું ભાડું લેત હતો. આ સાથે જુગારિયાઓને સમયસર નાસ્તો અને ચા-પાણી પણ પીરસતા હતા.