શિલજમાં મોટેથી મ્યુઝિક વગાડવા બદલ કાફે માલિક-ડીજે સામે ફરિયાદ
અમદાવાદ, વીકેન્ડ પર મોટાભાગના લોકો બહાર ફરવા નીકળતા હોય છે. અમદાવાદમાં પાછલા ઘણાં સમયથી કેફે કલ્ચર શરુ થયું છે.
યુવાનો મોટાભાગે મિત્રો સાથે કેફેમાં જઈને સમય પસાર કરવાનું પસંદ કરતા હોય છે. રવિવારના રોજ અમદાવાદ શહેરની બોપલ પોલીસ દ્વારા શિલજ વિસ્તારમાં આવેલા આવા જ એક કેફેના માલિક તેમજ ડીજે વિરુદ્ધ એફઆઈઆરદાખલ કરી છે. પોલીસ દ્વારા ચેતવણી આપી હોવા છતાં
આ લોકો અડધી રાતે મોટેથી સંગીત વગાડતા હોવાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે. બોપલ પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆરઅનુસાર, આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર રમેશ ચતુર અન્ય બે પોલીસકર્મીઓ સાથે નાઈટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે સમયે તેમને કંટ્રોલ રુમમાંથી મેસેજ મળ્યો કે કેફેમાં અત્યંત મોટેથી મ્યુઝિક વાગી રહ્યું છે.
રમેશ ચતુરે એફઆઈઆરમાં નોંધાવ્યું છે કે, ડેમરૂકેફેનજીકના ફ્લેટમાં રહેતા એક વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રુમમાં ફોન કર્યો હતો અને ઘોંઘાટની ફરિયાદ કરી હતી. રમેશ ચતુર રવિવારની રાત્રે લગભગ બે વાગ્યે પોતાની ટીમ સાથે કેફે પહોંચ્યા હતા.
તેમણે જાેયું કે ડીજે અત્યંત મોટા અવાજ સાથે મ્યુઝિક વગાડી રહ્યો છે. રમેશ ચતુરે ફરિયાદમાં જણાવ્યું કે તેમણે કેફેના માલિક અને ડીજેને આ ઘોંઘાટ બંધ કરવાનું જણાવ્યુ હતું. કેફેના માલિકની ઓળખ ગાંધીનગરના કલોલમાં રહેતા વીર કેવલ તરીકે થઈ છે જ્યારે ડીજે શાહ-એ-આલમ વિસ્તારમાં રહેતો શમશેર ખાન નામનો વ્યક્તિ છે.
પોલીસ આ આદેશ આપીને જતી રહી પરંતુ લગભગ ૩.૪૦ વાગ્યે તેમને ફરીથી ફરિયાદ મળી કે હજી પણ અહીં મ્યુઝિક વાગી રહ્યું છે અને આસપાસના લોકો પરેશાન થઈ રહ્યા છે. ફરી એકવાર પોલીસની ટીમ કેફે પહોંચી અને વીર કેવલ તેમજ શમશેર ખાન વિરુદ્ધ આઈપીસીના સેક્શન ૨૯૦, ૨૯૧, ૧૮૮ અને ૧૧૪ અંતર્ગત ગુનો દાખલ કર્યો. ઈન્સ્પેક્ટર એ.પી.ચૌધરી જણાવે છે
કે, આ કેફે એક ખુલ્લી જગ્યામાં ચાલે છે અને અહીં લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી પણ લેવામાં નથી આવી.
એ.પી. ચૌધરીએ વધુમાં જણાવ્યું કે. ખુલ્લી જગ્યામાં આટલા મોટેથી મ્યુઝિક વાગતું હોવાને કારણે આસપાસના લોકોને તકલીફ પડતી હતી. આ ઘોંઘાટ બંધ કરાવવા માટે તેમણે પોલીસને જાણ કરી અને અમે કેફેના માલિક તેમજ ડીજે વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા એક વાર ચેતવણી મળી હોવા છતાં તેમણે અવાજ બંધ નહોતો કર્યો.