Western Times News

Gujarati News

ગેંગસ્ટર બનવા કુખ્યાત શિવા મહાલિંગમની ગેંગ જોઈન કરી પણ..

File Photo

ફતેહવાડીમાં યુવકની હત્યા કરનાર આરોપી રીઢા ગુનેગાર શિવા મહાલિંગમ ગેંગનો સભ્ય

જાણીતા ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલના એસજી હાઈવે સ્થિત આવેલા નિમા ફાર્મ હાઉસમાં લૂંટનું કાવતરું ઘડનાર શિવા મહલિંગમ વિરૂદ્ધ પપથી વધુ ગુના નોંધાયા છે.

(એજન્સી)અમદાવાદ, ડોન, ભાઈ, દાદા બનવાના માથાભારે અભરખામાં ઘણી વખત માથાભારે યુવકોને જેલના સળિયા ગણવા પડતા હોય છે. શહેરના ફતેહવાડી વિસ્તારમાં નાસીર હુસૈન કુરૈશી પર થોડા દિવસ પહેલાં અયાન ચોર ઉર્ફે કસવાએ છરી વડે હુમલો કર્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

અયાન ઉર્ફે કસવાને ગેંગસ્ટર બનવું હતું જેના કારણે તેણે કુખ્યાત શિવા મહાલિંગમની ગેંગ જોઈન કરી હતી. અયાનની દાદાગીરી એટલી હદે વધી ગઈ કે તેણે લોકો ઉપર હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે વેજલપુર પોલીસે તેને જુહાપરા વિસ્તારથી તડીપાર કર્યો હતો.

શહેરના ફતેહવાડી વિસ્તારમાં ૩૦ જાન્યુઆરીના રોજ શેઝાન નાસીબ હુસૈન રિક્ષામાં બેઠો હતો ત્યારે તેનો મિત્ર અયાન ઉર્ફે કસવા ચાંદની નામની યુવતી સાથે ત્યાં આવ્યો હતો. અયાન અને શેઝાન બન્ને મસ્તી કરી રહ્યા હતા ત્યારે મામલો બીચકયો હતો. શેઝાનના ગળામાં પહેરેલી સોનાની ચેઈન અયાને ખેંચી લીધી હતી. શેઝાનની ચેઈન ખેંચતાની સાથે જ તેણે અયાન પાસે પરત માંગી હતી.

અયાને ચેઈન આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને છરી કાઢી હતી. અયાને પહેલાં શેઝાનના હાથ પર છરીનો ઘા માર્યો હતો ત્યારબાદ છાતીમાં પણ મારી દીધો હતો. લોહીથી લથપથ હાલતમાં શેઝાન જમીન પર ઢળી પડયો હતો જ્યારે અયાન અને ચાંદની સોનાની ચેઈન લઈને નાસી ગયા હતા.

શેઝાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું છે. પોલીસે અયાન વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર અયાન ઉર્ફે કસવાની મોડી રાતે ક્રાઈમબ્રાન્ચની ટીમે મોડાસાથી ધરપકડ કરી લીધી છે. અયાન વિરૂદ્ધ વટવા જુહાપુરા સહિત અનેક પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચિંગ-લૂંટ સહિતના ગુના નોંધાયા છે. ક્રાઈમ બ્રાન્ચે હાલ તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અયાન ઉર્ફે કસવા માથાભારે તેમજ ઝનૂની સ્વભાવનો યવક છે અને તેના વિરૂદ્ધ સંખ્યાબંધ ગુના નોંધાયા છે. અયાનને વેજલપુર પોલીસ સ્ટેશનથી તડીપાર કર્યો હતો અને તેને જુહાપુરા અને ફતેહવાડી વિસ્તારમાં એન્ટ્રી હતી નહીં.

પોલીસે તડીપાર કર્યો છતાંય અયાન મોઢા પર રૂમાલ બાંધીને ચાંદનીને મળવા માટે આવતો હતો. ત્યારબાદ એમડી ડ્રગ્સનો નશો કરીને ગુનાખોરી આચરતો હતો. શેઝાન પર હુમલો કર્યો ત્યારે અયાન ઉર્ફે કસવાએ એમડી ડ્રગ્સનો નશો કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે મોડાસાથી તેની ધરપકડ કરતાં અંતે અયાનના અનેક રાઝ ખુલી શકે છે.

જાણીતા ઉદ્યોગપતિ કરસનભાઈ પટેલના એસજી હાઈવે સ્થિત આવેલા નિમા ફાર્મ હાઉસમાં લૂંટનું કાવતરું ઘડનાર શિવા મહલિંગમ વિરૂદ્ધ પપથી વધુ ગુના નોંધાયા છે. શિવા મહાલિંગમના ગુનાહિત ઈતિહાસ ઉપર નજર કરીએ તો તેણે સાબરમતી સેન્ટ્રલ જેલમાં બેઠા બેઠા હત્યા કરવા માટેની સોપારી આપી હતી.

શિવા મહાલિંગમને ખંડપી પેટે રૂ.બે કરોડ નહીં ચૂકવી તેની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવનારા જુહાપુરાના જમીન દલાલ મોહમ્મદ શોએબ શેખ ઉર્ફે ગોટીવાલા અને તેમના ભાઈ મોહમ્મદ ઈસ્માઈલ ઉર્ફે સજ્જુની હત્યા કરવા આવેલા બે શાર્પશૂટરની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આ બન્ને શાર્પશૂટરની પૂછપરછમાં સામે આવ્યું હતું કે શિવાએ જેલમાંથી જ ચારથી પાંચ વખત ફોન કરી તેમને હત્યા કરવા માટે મોકલ્યા હતા.

બન્નેની હત્યા થાય તે પહેલાં ક્રાઈમ બ્રાન્ચે બે પિસ્તોલ અને સાત કારતૂસ સાથે તેમને ઝડપી લીધા હતા. આ સિવાય વડોદરા જેલમાં થયેલી અજ્જુ કાણિયાની હત્યાના કેસમાં પણ શિવા માસ્ટર માઈન્ડ હતો. સુરેન્દ્રનગર ખાતે થયેલી ૧૦૭ કિલો ચાંદીના લૂંટ કેસમાં પણ શિવા મહાલિંગમની સંડોવણી હતી. શિવાએ દારૂની એક બોટલ હોમ ડિલિવરીથી ગુનાહિત ઈતિહાસની શરૂઆત કરી હતી.

જો કે, પોલીસના ઢીલા વલણથી તે ગુના કરતો ગયો હતો ઘેટિયા ગેંગ સાથે જોડાઈને આગળ વધતો ગયો. ત્યારબાદ તે વહાબ સહિતના ગેંગસ્ટર્સની નજરે ચઢયો હતો. શિવાએ આજે ગુજરાતમાં પોતાની ગેંગ ઊભી કરી દીધી છે. લૂંટ, ખંડણી, હત્યા સહિતના ગુના શિવા તેની ગેંગ દ્વારા કરાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.