ભરૂચની દીકરી શિવાની સુતરિયા ચેસમાં રાષ્ટ્રીયકક્ષાએ ઝળકી
ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસિઝ ચેસ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો – ગુજરાતની મહિલા ચેસ ટીમને અપાવ્યો પહેલી વખત સુવર્ણ ચંદ્રક – શિવાનીના પિતા રાજેન્દ્ર સુતરિયા ભરૂચમાં જાણીતા વકીલ
(પ્રતિનિધિ)ભરૂચ, મૂળ ભરૂચની અને હાલ ગાંધીનગર ખાતે નાણા વિભાગમાં નાયબ સેક્સન અધિકારી તરીકે ફરજ બજાવતી શિવાની સુતરિયાએ રાષ્ટ્રીયકક્ષાએ યોજાયેલ ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસિઝ ચેસ ટુર્નામેન્ટમાં પહેલી ગુજરાત વખત વતી ગોલ્ડ મેડલ જીતી ભરૂચ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
શિવાની સુતરિયા ભરૂચના જાણીતા વકીલ રાજેન્દ્ર સુતરીયાના પુત્રી છે. એડવોકેટ રાજેન્દ્ર સુતરિયાની દીકરી શિવાની સુતરિયા ગાંધીનગર ખાતે નાણાં વિભાગમાં નાયબ સેક્સન અધિકારી તરીકે ફરજ બજાવે છે.તાજેતરમાં ઓરિસ્સાના ભુવનેશ્વર ખાતે વિશ્વનાથ આનંદ ચેસ હોલ ખાતે યોજાયેલ ઓલ ઈન્ડિયા સિવિલ સર્વિસિઝ ચેસ ટુર્નામેન્ટમાં ગુજરાતની મહિલા ટીમ માંથી ભાગ લીધો હતો.
શિવાની સુતરિયાએ વ્યક્તિગત ટુર્નામેન્ટમાં પહેલા રાઉન્ડમાં તેલંગાણાને,બીજા રાઉન્ડમાં હરિયાણાને અને ત્રીજા રાઉન્ડમાં મહારાષ્ટ્રના મહિલા ખેલાડીને હરાવ્યા હતા.ચોથા રાઉન્ડમાં આંધ્રપ્રદેશ સામેની ચેસ મેચ ડ્રો થઈ હતી.આમ વક્તિગત મેચમાં શિવાની સુતરિયા પ્રથમ ક્રમે વિજેતા થઈ હતી.
શિવાની સુતરિયાને ભારત સરકારના સિવિલ સર્વિસ કલ્ચર એન્ડ સ્પોર્ટ્સ બોર્ડના કન્વીનર અતુલ મિશ્રાએ ગોલ્ડ મેડલ એનાયત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે શિવાની સુતરિયાએ રાષ્ટ્રીયકક્ષાએ ચેસ ટુર્નામેન્ટમાં મેળવેલ ગોલ્ડ મેડલ ગુજરાતની મહિલા ચેસ ટીમનો પ્રથમ ગોલ્ડ મેડલ છે.