વડોદરા હરણી લેક દુર્ઘટનાની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
(એજન્સી)વડોદરા, હરણી લેકઝોનની દુર્ઘટનામાં પોલીસ અને એફએસએલની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યુ છે કે, બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી. બોટ બનાવનાર કંપની દ્વારા પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડવામાં આવી છે. બોટ બનાવનારા કંપની સંચાલકોએ પૂછપરછમાં જણાવ્યુ છે કે, અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી
જેમાં દોઢ ટન વજન કરવામાં આવ્યુ હતુ. નોંધનીય છે કે, હરણીના લેકઝોન ખાતે ગત તા.૧૮મીએ શહેરની ન્યૂ સનરાઇઝ શાળાના બાળકો પ્રવાસમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન બોટ પલટી ખાતા ૧૨ વિદ્યાર્થીઓ સાથે બે શિક્ષિકા સહિત કુલ ૧૪ લોકોના મોત નીપજ્યા હતા.
વડોદરા શહેરમાં થયેલા હરણી લેકઝોન બોટ દુર્ઘટનામાં શાહ અને દોશી પરિવાર ચર્ચામાં રહ્યા છે. આ બંને પરિવારના સભ્યોની સમગ્ર કેસમાં સંડોવણી સામે આવી છે. આ પરિવારના 7 સભ્યો પૈકી 4 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે 3 સભ્યો હજી ફરાર છે.
આ બંને પરિવારનું કનેક્શન સામે આવ્યું છે. જેમાં આજે પકડાયેલા આરોપી જતીન દોશી બોટ દુર્ઘટનાના મુખ્ય આરોપી પરેશ શાહનો ફોઇનો દીકરો હોવાનું તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ પહેલાં પકડાયેલા ગોપાલદાસ શાહ પણ પરેશ શાહનો સાઢુ હોવાનું બહાર આવ્યું હતું. પૈસા કમાવવાની લાલચમાં બે આખા પરિવારો અને ગોપાલ શાહ જેલ ભેગા થશે તેવો ઘાટ સર્જાયો છે.
આ અંગે પોલીસ અને એફએસએલના રિપોર્ટમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. જેમા જાણવા મળ્યુ છે કે, હરણી લેકમાં બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાને કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સાથે તપાસમાં સામે આવ્યુ છે કે, એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી.
જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં દસ બાળકોને બેસાડવામાં આવ્યા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા હતા જેથી ટર્ન લેતી વખતે બોટ પલટી ખાઇ ગઇ હતી. આ ઉપરાંત બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી છે. કંપની સંચાલકોએ કહ્યું છે કે, અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની જ હતી. જેમાં દોઢ ટન વજન કરવામાં આવ્યુ હતુ.