17000 વાજબી ભાવની દુકાનોના દુકાનદારો મતદાન જાગૃતિનું કામ કરાશે
અવસર છે લોકશાહીનો – ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨-ચૂંટણીમાં મહત્તમ મતદારોની સહભાગિતા સુનિશ્ચિત કરવા અનેક સંસ્થાઓની આગવી પહેલ : રાજ્ય ચૂંટણી તંત્ર દ્વારા વધુ બે MoU કરવામાં આવ્યા
રાજ્યની ૧૭,૦૦૦ વાજબી ભાવની દુકાનોના દુકાનદારો સાથે સંક્ળાયેલા ૭૧ લાખ પરિવારોની ૩.૫ કરોડની જનસંખ્યા માટે નાગરિક પુરવઠા મતદાન જાગૃતિનું કામ કરાશે
******
રાજ્યની પ્રતિષ્ઠિત ૩૦૦ હૉટૅલના સંચાલકો પણ મતદાન જાગૃતિ કાર્યમાં જોડાશે
******
લાયકાત ધરાવતો કોઇ મતદાર, મતદાન કર્યા વગર ના રહે અને ચૂંટણી પ્રક્રિયામાં સમાજના તમામ વર્ગોની સહભાગિતા વધે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા વિવિધ સરકારી તથા બિન-સરકારી સંસ્થાઓ સાથે MoU કરવામાં આવી રહ્યા છે. મતદારયાદીની સંક્ષિપ્ત સુધારણા બાદ હવે મતદારોમાં નૈતિક અને અચૂકપણે મતદાન કરવા અંગે જાગૃતિ કેળવવા વધુ ૦૨ MoU કરવામાં આવ્યા છે.
રાજ્યના રાશનકાર્ડ ધારકો મતદાર યાદીમાં પોતાના નામની ચકાસણી કરે, પોતે મતદાન કરે અને મતદાન કરવા પ્રેરિત કરે તે માટે જાગૃતિ કેળવવા, અન્ન અને નાગરિક પુરવઠા નિયામક શ્રી તુષાર ધોળકિયા દ્વારા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી,રાજ્યની ૧૭,૦૦૦ વાજબી ભાવની દુકાનોના દુકાનદારો સાથે સંક્ળાયેલા ૭૧ લાખ પરિવારોની ૩.૫ કરોડની જનસંખ્યા માટે મતદાન જાગૃતિનું કામ કરશે.
રાજ્યની પ્રતિષ્ઠિત ૩૦૦ હૉટૅલના સંચાલકો પણ મતદાન જાગૃતિ કાર્યમાં સાથ આપે તે માટે, ગુજરાતના હૉટેલ એન્ડ રેસ્ટોરરેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી નરેન્દ્ર સોમાણી અને મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.