મોડાસામાં સાત ઇંચ વરસાદ ખાબકતા દુકાનો પાણીમાં ગરકાવ
(એજન્સી)મોડાસા, જિલ્લાથી સવારથી જ ભારે વરસાદી માહોલ છવાયો છે. ત્યારે જિલ્લાના અનેક તાલુકામાં ધોધમાર વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. બાયડ તાલુકામાં ૭ ઇંચ વરસાદ ખાબકતા વરોસી નદી ગાંડીતૂર બની હતી.
ત્યારે નદી કિનારે આવેલા ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા હતા. તેને કારણે ખેડૂતોનો તમામ પાક બરબાદ થઈ ગયો હતો. બાયડ-ઓઢા રોડની આસપાસ આવેલા ખેતરોમાં વરોસી નદીના પાણી ઘૂસતા જળબંબાકાર જેવી સ્થિતિ પેદા થઈ હતી.
ગુજરાતમાં ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘમહેર વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગની આગાહી સામે આવી છે. મહત્વનું છે કે, સતત બે દિવસથી રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે. ઓગસ્ટ મહિનામાં ખૂબ રાહ જાેવાડાવ્યા બાદ હવે ભાદરવા મહિનામાં વરસાદનું આગમન થયું છે. આ તરફ હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ૧૮થી ૨૧ સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી ૪ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં આગામી ૪ દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ૧૮થી ૨૧ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ૧૮ સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ તો નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં યેલો એલર્ટ છે.
આ સાથે વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ૧૯ સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ તો પાટણ, મહેસાણા,ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે.
આ સાથે કચ્છ, સુરેન્દ્રનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી છે.