જેનરિક દવાઓ આપતી દુકાનોમાં ડાયાબિટીસ-બીપી જેવી રોજિંદી દવાઓની અછત
જન ઔષધિ કેન્દ્રોમાં પુરવઠો ખોરવાતા દર્દીઓને હાલાકી
અમદાવાદ, સામાન્ય નાગરિકોને વ્યાજબી કિંમતે દવાઓ પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઠેર-ઠેર જન ઔષધિ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. સારી ગુણવત્તા ધરાવતી જેનરિક દવાઓ આ કેન્દ્રો પરથી નિયમિત મળી રહે તે માટે સરકારે હાથ ધરેલા આયોજનથી કરોડો નાગરિકો માટે તબીબી સારવાર સુલભ બની રહે તે હેતુથી કર્યો છે. જો કે આ કેન્દ્રોમાં એકાદ મહિનાથી અનેક દવાઓ નહીં મળતી હોવાની ફરિયાદો લોકોમાં ઊઠવા પામી છે. જન ઔષધિ કેન્દ્રોમાં દવાની અછત હોવાથી દર્દીઓએ મોંઘા ભાવની દવા ખરીદવી પડી રહી છે.
આ અંગે હકીકત એવી છે કે, સમગ્ર દેશમાં ૧૨,૦૦૦ જેટલા જન ઔષધિ કેન્દ્રો આવેલા છે અને ગુજરાતમાં ૧૦૦૦ જેટલા જન ઔષધિ કેન્દ્રો છે. આગામી સમયમાં દેશભરમાં ૨૫,૦૦૦ કેન્દ્રો બનાવવાનું સરકારનું આયોજન છે. દવાની ગુણવત્તા ચકાસ્યા બાદ સરકાર દ્વારા મોટા પાયે જેનરિક દવાની ખરીદી કરવામાં આવે છે અને જન ઔષધિ કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવે છે.આ કેન્દ્રોના કારણે દવાના ખર્ચમાં ૮૦ ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.
જેના કારણે સામાન્ય દર્દીઓ શક્ય હોય ત્યાં સુધી અહીંથી જ દવા ખરીદવાનો આગ્રહ રાખે છે. પાછલા એકાદ મહિનાથી આ કેન્દ્રોમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કાર્ડિયાક તકલીફને લગતી સામાન્ય દવાઓ પણ નિયમિત નહીં મળતી હોવાની ફરિયાદ ઊઠી છે. મેટામોર્ફિન, એટ્રોવાસ્ટેટિન, એસ્પિરિન, રોસુવાસ્ટેટિન, પેન્ટાપ્રોઝલ, મોન્ટેકલુકાસ્ટ, વિટામિન બી-કોમ્પ્લેક્સ ઝિંક જેવી પાયાની દવાઓ ખરીદવા માટે પણ દર્દીઓએ ધક્કા ખાવા પડે છે અથવા મોંઘા ભાવની દવા ખરીદવી પડે છે.
આ અંગે ગાંધીનગરના સિનિયર સિટિઝન જાન્હવીબેને જણાવ્યું હતું કે, તેમને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની દવાઓ નિયમિત લેવી પડે છે. તેથી તેઓ એક મહિનાની દવા સામટી ખરીદે છે. જેનરિક સ્ટોરમાં માંડ ૬૦૦ રૂપિયાનું બિલ થતું હોય છે. જ્યારે આ વખતે જન ઔષધિ કેન્દ્રમાં દવા નહીં હોવાથી તેમણે અન્ય દુકાનમાંથી દવા ખરીદી છે, જેનો ખર્ચ રૂ.૧૫૦૦ જેટલો આવ્યો હતો.
ગાંધીનગરમાં જનઔષધિ સ્ટોર ધરાવતા એક વેપારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યુ હતું કે, ઉપરથી જ દવાઓ નિયમિત આવતી નથી. દવાનો ઓર્ડર લખાવ્યા પછી બે-ત્રણ મહિને પુરવઠો આવતો હોય તે સ્થિતિ સામાન્ય છે. નિયમિત દવા ખરીદવા આવતા દર્દીઓને ધક્કો ના ખાવો પડે તે માટે કેટલીક પાયાની દવાઓ બજારમાંથી ખરીદવી પડે છે, જેની કિંમત વધારે હોય છે.
સમગ્ર દેશમાં જન ઔષધિ કેન્દ્રો માટે દવા ખરીદવાનું અને પહોંચાડવાનું આયોજન ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થાના ગુજરાત ખાતેના મેનેજર કલ્પેશ રાવલે દવાની અછત બાબતે જણાવ્યું હતું કે, તમામ દવાનો પુરવઠો નિયમિત જળવાઈ રહે તે માટે નક્કર પ્રયાસ કરવામાં આવે છે. જેનરિક દવાઓની અછત હોવાની ફરિયાદો તેમને મળી નથી.