ચોથા ક્રમે બેટિંગ અને કીપિંગ કરવું જોઈએઃ કેવીન પીટરસન

મુંબઈ, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમના મેન્ટર કેવીન પીટરસનનું માનવું છે કે ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ચોથા ક્રમનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને તેણે ભારત માટે આગામી ટી૨૦ વર્લ્ડ કપમાં આ જ ક્રમે બેટિંગ કરવા ઉપરાંત વિકેટકીપિંગ કરવું જોઇએ.
ભૂતકાળમાં ટી૨૦ ક્રિકેટમાં રાહુલના અભિગમ વિશે સવાલો થતા રહેતા હતા પરંતુ રાહુલે તેના વલણમાં ફેરફાર કર્યાે અને વર્તમાન આઇપીએલમાં તે દિલ્હી કેપિટલ્સનો મોખરાનો બેટ્સમેન બની ગયો છે.
જોકે ભારતની ટીમમાં વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા માટેની સ્પર્ધા ઘણી તીવ્ર છે કેમ કે અહીં રાહુલની હરિફાઈમાં રિશભ પંત, સંજુ સેમસન, ધ્રૂવ જુરેલ અને ઇશાન કિશન સામે થઈ રહી છે. આમ પસંદગીકારો પાસે આ માટે ઘણા વિકલ્પો રહેલા છે.
૨૦૨૨ના ટી૨૦ વર્લ્ડ કપ બાદ ભારતના ટી૨૦ માળખામાં લોકેશ રાહુલ સેટ થયો નથી પરંતુ પીટરસનનું માનવું છે કે રાહુલે માત્ર તેના પુનરાગમનના સંકેત જ આપ્યા નથી પરંતુ ભારતીય ટીમમાં વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા માટે તે એકદમ ફિટ બેસે છે.
પીટરસને જણાવ્યું હતું કે ભારતીય ટી૨૦ ક્રિકેટ ટીમમાં હું રાહુલની તરફેણ કરીશ કેમ કે મને લાગે છે કે તમારી પાસે ઓપનર્સના ઘણા વિકલ્પ રહેશે પરંતુ કીપર અને બેટ્સમેનના વિકલ્પ ઓછા છે અને ત્યાં જ રાહુલની જરૂર પડે છે. પરંતુ જે રીતે રાહુલ અત્યારે રમી રહ્યો છે તે જોતાં ચોથા ક્રમ માટે તે મારી પ્રથમ પસંદગી રહેશે. તે ચોથા ક્રમે રમવા ઉપરાંત નેશનલ ટીમ માટે કીપિંગ પણ કરી શકે છે.
રવિવારે રાત્રે રમાયેલી આઇપીએલની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે રમતાં દિલ્હી કેપિટલ્સ માત્ર ૧૬૨ રન કરી શક્યું હતું જેમાં રાહુલે ૩૯ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા. અંતે બેંગલોરે ૧૯મી ઓવરમાં જ ટારગેટ વટાવી દીધો હતો. આમ છતાં રાહુલની લડાયક બેટિંગની પ્રશંસા થઈ હતી.તાજેતરના ગાળામાં રાહુલે વન-ડે ક્રિકેટમાં પણ ભારત માટે સારો દેખાવ કરેલો છે.
જેનાથી ઇંગ્લેન્ડનો પોતાના સમયનો શ્રેષ્ઠ બેટ્સમેન પીટરસન પ્રભાવિત થયો છે. તેનું માનવું છે કે રાહુલ સકારાત્મક બેટિંગ કરી રહ્યો છે. ગયા વર્ષના મધ્ય ભાગમાં આપણે જોયું હતું કે રાહુલે એક બે મેચમાં સારી બેટિંગ કરીને ભારતને સફળતા અપાવી હતી.
તેમાંય આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈ ખાતે તેનું પ્રદર્શન ખૂબ સુંદર હતું.આમ તે આગામી ટી૨૦ વર્લ્ડ કપમાં ચોથા ક્રમના બેટસમેન અને વિકેટકીપર તરીકે ભારતીય ટીમમાં એક સ્થાનનો મજબૂત દાવેદાર બની ગયો છે. આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૬માં ભારત અને શ્રીલંકામાં સંયુક્તપણે યોજનારો છે.SS1MS