પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભઃ શિવાલયો ‘બમ બમ ભોલે’ના નાદથી ગૂંજી ઉઠયા
શ્રાવણના પહેલાં સોમવારે શિવ મંદિરોમાં વહેલી સવારથી ભકતોની ભારે ભીડ ઉમટી
(એજન્સી)અમદાવાદ, આજથી દેવાધિદેવ મહાદેવના અતિ પવિત્ર ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ માસ ભગવા શિવની ભક્તિ કરવાનો અતિ મહત્ત્વનો સમયકાળ ગણાય છે.
શ્રાવણના સોમવારને ખૂબ ખાસ માનવામાં આવે છે. આવે શ્રાવણના પ્રથમ દિવસે જ સોમવાર હોવાથી શિવાલયો ભક્તિભાવ અને બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠયા છે. શહેરના તમામ શિવાલયોમાં વહેલી સવારથી શિવભકતોની ભીડ જામી છે. હવે સતત એક મહિના સુધી શિવાલયમાં ભકતોની ભારે ભીડ જોવા મળશે.
આજે સોમવારે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ વિધા છે.
માન્યતા છે કે આ દિવસે ઉપવાસ રાખવાથી સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પૂજા પાઠ માટે શુભ માનવામાં આવે છે. આ દરમિયાન ચાતુર્માસ હોવાના કારણે આખી સૃષ્ટીનું સંચાલન ભગવાન શિવના હાથમાં હોય છે. એટલા માટે આ મહિનામાં તમામ શુભ માંગલિક કાર્યક્રમમાં ભોળાનાથની કૃપા બનેલી રહે છે.
શિવજીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ મહિનો વિશેષ મનાય છે સાથે જ શ્રાવણ મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય પણ છે. જે પણ વ્યક્તિ આ મહિનામાં સાચી શ્રદ્ધાથી ભગવાનની પૂજા અર્ચના કરે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેવું મનાય છે. આ મહિનામાં ભકતો ઉપવાસ પણ કરતા હોય છે. ખાસ કરને સોમવારના દિવસે ભકતો વ્રત કરી શિવ પૂજા કરે છે. આ વર્ષે શ્રાવણ માસની પુર્ણાતિથિ પણ સોમવારે જ થવાની છે. આવો સંયોગ લાંબા સમયગાળા બાદ યોજાયો છે. શ્રાવણ માસ નિમિત્તે શિવ મંદિરોમાં અનેક ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી અટકેલા કામ આગળ વધી જાય છે તેવું મનાય છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણના સોમવારે મહાદેવના ૧૦૮ નામના જાપથી મનગમતું ફળ પ્રાપ્ત થાય છે.
ધાર્મિક કથા અનુસાર શ્રાવણ મહિનામાં માં પાર્વતીએ ભગવાન શિવને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા અને માં પાર્વતીને પોતાના પત્ની તરીકે સ્વીકાર્યા. માટે શ્રાવણ માસમાં શિવલિંગના જલાભિષેક અને રૂદ્રાભિષેકનું વિશેષ મહત્ત્વ છે.
આજે શિવાલયોની બહાર ધતૂરાના ફૂલ, ધતૂરાનું ફળ, કમળકાકડી, બિલીપત્ર, ફૂલ, મધ વગેરે પૂજા સામગ્રી ખરીદવા પડાપડી થઈ રહી છે. દૂધના વેચાણમાં જબ્બર વધારો થયો છે. દૂધનો અભિષેક કરવા માટે ઉપયોગમાં લેવાતા દૂધની સાથે પંચામૃત પણ હવે તૈયાર મળી રહ્યું છે.
મંદિરોમાં રૂદ્રી, લઘુ રૂદ્રી, સહિતના હોમ પાઠ વગેરેના આયોજન થયા છે. કેટલાક સ્થળોએ શિવપુરાણના આયોજનો કરાયા છે. ફરાળી ચીજવસ્તુ વેચતી દુકાનોમાં ગ્રાહકોએ તડાકો પાડી દીધો છે. મોરૈયો, સાબુદાણા, બટાકા, સુરણ રતાળુ જેવી ચીજનું વેચાણ વધ્યું છે.