પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ: પૂર્ણાહુતી ૦૩/૦૯/૨૦૨૪ શ્રાવણ વદ અમાસના રોજ
સોમનાથ મંદિરમાં ભક્તો માટે ખાસ સુવિધા
(એજન્સી)અમદાવાદ, પ્રથમ જ્યોતિ‹લગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી ૩૦ દિવસીય શોવોત્સવનો પ્રારંભ તા.૦૫/૦૮/૨૦૨૪ સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.૦૩/૦૯/૨૦૨૪ શ્રાવણ વદ અમાસ ના રોજ થશે. ત્યારે સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે.
દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. પ્રતિ વર્ષ શ્રાવણ માસ દરમિયાન ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે.
અને દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો લગાવાઇ રહ્યો છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વધારે માત્રામાં આવનારી યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરી છે,
શ્રાવણ માસ માટે વધારાની સાધન સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે. શ્રી સોમનાથ મંદિર દરવર્ષની જેમ આ વર્ષે પણ દરવર્ષની જેમ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના ૪-૦૦ વાગ્યે ખોલવામાં આવશે. વૃદ્ધો અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી શ્રી સોમનાથ મંદિર સુધી પહોચવા વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
શ્રી સોમનાથ મંદિર પરિસરના અપ્રોચ એરિયામાં ટ્રસ્ટ દ્વારા સ્વાગત કક્ષ ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટા અક્ષરે સ્વાગત કક્ષ લખેલા સફેદ ટેન્ટમાં વૃદ્ધો તેમ દિવ્યાંગો માટે વ્હીલ ચેર, મંદિરમાં ચાલનારી ગોલ્ફ કાર્ટ માટે સીનીયર સીટીઝન અને દિવ્યાંગો માટે નિશુલ્ક ટિકિટ તેમજ વિશેષ જરૂરિયાત હોય તેવા યાત્રીઓ માટે સહાયક ગોઠવવામાં આવ્યા છે. વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.