આજથી શ્રાવણ માસની શરૂઆત: શિવાલયોમાં જામી ભક્તોની ભારે ભીડ
અમદાવાદ, હિંદુ ધર્મના લોકો વર્ષના ૧૨ મહિના સુધી કોઇને કોઇ તહેવાર ઉજવે છે. પરંતુ ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ મહિનો સૌથી ખાસ ગણવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત ૨૯ જુલાઇ એટલે કે આજથી થઇ રહી છે. આજથી શરૂ થયેલા શ્રાવણ માસની શરૂઆતમાં જ લોકોની શિવાલયોમાં ભારે ભીડ જામી છે. આજથી શિવમંદિરો બમ બમ ભોલેના નાદથી ગૂંજી ઉઠ્યા છે.
શિવજીના પ્રિય તેવા માસમાં ભક્તો દ્વારા વિવિધ અભિષેક અને બિલિપત્ર અર્પણ કરવામાં આવી રહ્યા છે. શિવશંકરની આરાધના અને જલાભિષેક કરી રહ્યાં છે.
આ મહિનાને ભોલેનાથનો પ્રિય મહિનો કહેવામાં આવે છે. તેથી શિવભક્ત શ્રાવણ મહિનામાં તેમનો અભિષેક કરે છે. આ મહિનામાં ભોલેશંકરની પૂજા કરવી, કાવડ ચઢાવવું, રુદ્રાભિષેક કરવો, શિવ નામનો જાપ કરવો, જ્યોર્તિલિંગના દર્શન કરવા અત્યંત શુભ માનવામાં આવે છે. જાેકે, ગત વર્ષે કોરોના મહામારીના લીધે શિવાલયોમાં ભક્તોની ભીડ ઓછી જાેવા મળી હતી.
પરંતુ આ વખતે કોરોનાના કેસ ઘટતા ભાવિક ભક્તો વહેલી સવારથી જ દર્શન માટે ઉમટી પડ્યા છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવશંકરની આરાધના અને જલાભિષેક કરી રહ્યાં છે.
સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પહેલા જ દિવસે ભારે ભીડ જાેવા મળી છે. ગુજરાતમાં આવેલું આ એકમાત્ર જ્યોર્તિલિંગ છે, તેથી તેનું શ્રાવણ મહિનામાં મહત્વ વધી જાય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે.
ભગવાન શિવને અતિ પ્રિય રુદ્રાક્ષનો મહિમા શાસ્ત્રોમાં ઉલેખાયો છે. કહેવાય છે કે શિવની આંખમાંથી પડેલું આંસુ જેને સામાન્ય ભાષામાં રુદ્રાક્ષ કહેવામાં આવે છે, રુદ્રાક્ષ ના મણકા ખૂબ જ ખાસ હોય છે. આ રુદ્રાક્ષને ધારણ કરનારને માનસિક શાંતિ, શારીરિક સમસ્યામાં રાહત, ભાગ્યનો સાથ સહિતના લાભ થાય છે. રુદ્રાક્ષની માળાનો ઉપયોગ મંત્રજાપ માટે પણ કરવામાં આવે છે.
રુદ્રાક્ષ અલગ અલગ પ્રકારના હોય છે. તેના અલગ અલગ પ્રભાવ પણ છે. હિન્દુ ધર્મના ગ્રંથો મુજબ શ્રાવણ મહિનો શુભ ફળની પ્રાપ્તિ માટે સારો ગણાય છે. પરંતુ કહેવાય છે કે જાે ભોલે શિવની પૂજા અર્ચનામાં ભૂલ કરી તો બાબા કોપાયમાન થઈ જાય છે. ભગવાન શિવની પૂજા કરતા આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
શિવજીની પૂજા કરતી વખતે આ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો.
૧. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે ક્યારેય કાળા કપડાં પહેરવા જાેઈએ નહીં.
૨. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે જે જગ્યાએથી ચઢાવેલું પાણી બહાર આવી રહ્યું હોય ત્યારે ક્યારેય તે પાણીને ઓળંગીને જવું નહીં.
૩. શિવલિંગ પર જળ ચઢાવતી વખતે તુલસીના પત્તા ન ચઢાવો. શાસ્ત્રોમાં શિવલિંગ માટે તુલસીના પત્તાને વર્જિત ગણવામાં આવ્યાં છે.
૪. શિવલિંગ તથા શિવ પ્રતિમાની પૂજા કરતી વખતે ભૂલથી પણ તેમને સિંદૂર, તલ અને હળદર ચઢાવવા નહીં.