સાવન સોમવાર, આપૂર્તિ અને શિવભક્તિનું પ્રતીક!
સાવન સોમવારને શ્રાવણ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પાવન મહિનામાં ભગવાન શિવના ભક્તો દ્વારા ઉજવણી શરૂ થાય છે. આખો મહિનો ભક્તો ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજાઅર્ચના કરે છે. શ્રાવણ મહિનામાં દર સોમવાર ઉપવાસ માટે પવિત્ર માનવામાં આવતો હોવાથી ભક્તો શ્રાવણી સોમવારનો વ્રત પણ રાખે છે.
એન્ડટીવીના મુખ્ય કલાકારો આ પવિત્ર મહિનાનું મહત્ત્વ અને શ્રાવણી સોમવારે ઉપવાસ રાખવાના કારણો વિશે જાણકારી આપે છે. આમાં પ્રીતિ સહાય (કામિની, દૂસરી મા), હિમાની શિવપુરી (કટોરી અમ્મા, હપ્પુ કી ઉલટન પલટન) અને વિદિશા શ્રીવાસ્તવ (અનિતા ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.
દૂસરી માની પ્રીતિ સહાય ઉર્ફે કામિની કહે છે, “ભગવાન શિવના ભક્તોમાં આ મહિનાનું બહુ માન છે, કારણ કે આ અત્યંત પવિત્ર મહિનો છે. દંતકથા અનુસાર સમુદ્રમંથન સમયે ભગવાન શિવે અમૃત પાછું મેળવવા માટે ઝેર પીને દુનિયાને બચાવી લીધી હતી.
ઝેરથી તેમને હાનિ નહીં પહોંચે તે માટે દેવી પાર્વતીએ તેમની ગરદન પકડી રાખી હતી, જેથી તે ભૂરી પડી ગઈ અને તેમને દર્દ અને બળતરા પેદા થયા. આથી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ભક્તો તેમના જખમને ટાઢક આપવા માટે પવિત્ર ગંગા નદીમાં પાણી ચઢાવે છે. ઉપરાંત શ્રાવણી સોમવાર વ્રત પણ રાખે છે, જેમાં સર્વ સોળ સોમવાર ઉપવાસ રાખીને ભગવાન શિવ પાસે સફળતા, સુખી દાંપત્યજીવન અને સમૃદ્ધિના આશીર્વાદ અને તેમની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવા આશીર્વાદ માગે છે.”
હપ્પુ કી ઉલટન પલટનની હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, “આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. લોકો ઉપવાસ રાખે છે. ખાસ કરીને સોમવારે, જેને શ્રાવણી સોમવારના વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતના વિવિધ પ્રદેશોમાં ભક્તો પારંપરિક વેશ ધારણ કરે છે અને તેમના ખભે કંવર નામે પાણીનું માટલું લઈને કંવર યાત્રા પર નીકળી પડે છે. તેઓ પાણી લઈને ભગવાન શિવને અર્પણ કરવા માટે ગંગા સહિતની પવિત્ર નદીઓ પાસે જાય છે.
દંતકથા અનુસાર દેવી પાર્વતીની ભક્તિથી ભગવાન શિવ મોહિત થયા હતા અને તેમની સાથે પરણવાની દેવીની ઈચ્છા માન્ય રાખી હતી. આને કારણે અપરિણીત છોકરીઓ ઉત્તમ જીવનસાથી મેળવવા માટે સોળ સોમવાર ઉપવાસ રાખે છે. તેઓ પવિત્ર બ્રહ્મ મુહૂર્ત પર જાગે છે, મળસ્કે સ્નાન કરે છે અને દૂધ, દહીં, મધ, સાકર, ચંદન, ગંગાજળ અને અન્ય ખાદ્યપદાર્થ જેવી વિવિધ ચીજો ભગવાન શિવને ચઢાવીને પૂજા કરે છે.”
ભાભીજી ઘર પર હૈની વિદિશા શ્રીવાસ્તવ ઉર્ફે અનિતા ભાભી કહે છે, “શ્રાવણનો આખો મહિનો ઉપવાસ રાખવો તે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. સવારે વહેલા ઊઠી જવું, ભગવાન શિવના મંદિરે જવું અને દૂધ, ઘી, દહીં, ગંગાજળ અને મધ સાથે બિલીપત્રથી બનાવેલા પંચામૃતનો પ્રસાદ ધરાવે છે.
આ પવિત્ર મહિનામાં ઉપવાસ દરમિયાન દૂધ અને દુગ્ધ પેદાશો, ફળો અને અન્ય મંજૂર ચીજો ખાઈ શકાય છે. ભગવાન શિવની પૂજાઅર્ચના ઉપરાંત શાંતિ, સમૃદ્ધ અને સફળતા માટે દેવી પાર્વતીની પણ પ્રાર્થના કરાય છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં સોમવારે ઉપવાસ કરવાથી પવિત્ર આશીર્વાદ પ્રાપ્ત થાય છે.”