શ્રી મારૂતિ કુરિયર વેરહાઉસ અને નેટવર્ક મજબૂત કરવા રૂ. 50 કરોડનું રોકાણ કરશે
શ્રી મારૂતિ કુરિયરનો આગામી પાંચ વર્ષમાં વર્ષે રૂ. 300 કરોડનો બિઝનેસ મેળવવાનો લક્ષ્યાંક- ઊભરતા ઈ-કોમર્સ બિઝનેસમાં નોંધપાત્ર હિસ્સો મેળવવાની યોજના
· કંપની દેશભરમાં 126 વેરહાઉસ ધરાવે છે અને વર્ષ 2026 સુધીમાં વધુ 150 વેરહાઉસ ઊભા કરવાની યોજના
અમદાવાદ, દેશભરમાં ફેલાયેલા મજબૂત નેટવર્કના જોરે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રની પ્રચંડ સંભાવનાઓનો લાભ લેવા શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડ વર્ષ 2026 સુધીમાં પોતાના લોજિસ્ટિક્સ વર્ટિકલથી રૂ. 300 કરોડનો બિઝનેસ મેળવવાનો લક્ષ્યાંક ધરાવે છે. Shree Maruti Courier aiming yearly Rs. 300 crore business from its logistics vertical in next five years. The company will invest around Rs. 50 crores to set up new warehouses and strengthen the existing network
અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી દેશની અગ્રણી કુરિયર અને લોજિસ્ટિક્સ કંપની નવા વેરહાઉસ ઊભા કરવા અને દેશભરમાં તેના હાલના નેટવર્કને મજબૂત બનાવવા માટે લગભગ રૂ. 50 કરોડનું રોકાણ કરશે.
હાલ લોજિસ્ટિક્સ વર્ટિકલ શ્રી મારૂતિ કુરિયરના વાર્ષિક ટર્નઓવરમાં માત્ર 15 ટકા જેટલું પ્રદાન કરે છે જે કંપની આગામી પાંચ વર્ષમાં 45 ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય રાખે છે.
શ્રી મારૂતિ કુરિયરે વર્ષ 2019 દરમિયાન લોજિસ્ટિક (સરફેસ કાર્ગો) વર્ટિકલનો પ્રારંભ કર્યો હતો અને પહેલા બે વર્ષમાં જ કંપનીએ પડકારજનક સ્થિતિ છતાં નોંધપાત્ર વિકાસ કર્યો છે.
શ્રી મારૂતિ કુરિયરના કુલ ટર્નઓવરનો મોટાભાગનો હિસ્સો ડોમેસ્ટિક કુરિયર પ્રોડક્ટ્સમાંથી જ આવે છે. હાલની બજાર પરિસ્થિતિ જોતાં કંપની મેનેજમેન્ટ તેના પોતાના વેચાણમાં તેના લોજિસ્ટિક્સ (સરફેસ કાર્ગો)નો હિસ્સો વધારવાનું લક્ષ્યાંક રાખે છે.
ભાવિ યોજનાઓ વિશે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીઝ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય મોકરિયાએ જણાવ્યું હતું કે “અમારા મતે લોજિસ્ટિક્સ વર્ટિકલ અમારી કંપનીના ભવિષ્યના વિકાસ માટેનું ગ્રોથ-ડ્રાઈવર હશે. દેશભરમાં સુધરી રહેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરીકરણનું વધતું પ્રમાણ, ઈ-રિટેલને મળી રહેલો પ્રચંડ પ્રતિસાદ તથા નવી ટેક્નોલોજીના ઝડપી અમલીકરણ જેવા પરિબળો લોજિસ્ટિક્સ બિઝનેસને નવી ઊંચાઈ પર લઈ જશે.
ઈ-કોમર્સ માર્કેટ ઈમર્જિંગ ઈન્ડસ્ટ્રી છે જે લોજિસ્ટિક્સ સેક્ટર માટે અનેક તકો ઊભી કરશે. આ ઈમર્જિંગ બિઝનેસમાંથી અમે નોંધપાત્ર હિસ્સો મેળવવા માંગીએ છીએ. કોવિડ-19 મહામારીનું જોખમ હવે હળવું થઈ રહ્યું હોવાથી ભારતમાં લોજિસ્ટિક્સ સેક્ટર નવા શિખરો સર કરવા તૈયાર છે.”
શ્રી મારૂતિ દેશભરમાં ફેલાયેલા 3,000 આઉટલેટ્સના મજબૂત નેટવર્ક પર મોટો મદાર ધરાવે છે અને 4,600 પિન કોડ્સમાં સર્વિસીઝ પૂરી પાડે છે. હાલ કંપની સમગ્ર ભારતમાં 126 વેરહાઉસીસ ધરાવે છે અને વર્ષ 2026 સુધીમાં તેમાં વધુ 150 વેરહાઉસીસનો ઉમેરો કરવાની યોજના છે. કુરિયર સર્વિસીઝ ઉપરાંત કંપનીએ સપ્લાય ચેઈન અને ઈન્ટરનેશનલ કાર્ગો સર્વિસીસ ક્ષેત્રે પણ વિસ્તરણ કર્યું છે.
કંપની તેના નેટવર્કમાં દેશભરમાં વધુ 2,000 શહેરો અને નગરો ઉમેરવાની યોજના ધરાવે છે અને આગામી પાંચ વર્ષમાં રૂ. 1,000 કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક રાખે છે. ઈ-કોમર્સ ક્ષેત્રની વિપુલ તકો ઝડપવા માટે કંપની તેના વર્તમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવી રહી છે અને તે ક્ષેત્રની કામગીરીઓ માટે એક અલગ ડિવિઝન ઊભું કરી રહી છે.
લોજિસ્ટિક્સ સેક્ટર ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાય છે જેનું કદ લગભગ રૂ. 16.41 લાખ કરોડ જેટલું છે અને તે ભારતના બજારના કુલ જીડીપીના લગભગ 13.5 ટકા છે. લોજિસ્ટિક્સ સેક્ટર હવે કોવિડ-19 મહામારીની અસરમાંથી બહાર આવી ગયું છે અને બિઝનેસ ફરી પૂર્વવત બન્યા છે. કોવિડ-19 પછી ભારતમાં લોજિસ્ટિક્સ માર્કેટનું કદ વાર્ષિક ધોરણે 17.6 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી સંભાવના છે.
ભારતમાં ઓર્ગેનાઈઝ્ડ લોજિસ્ટિક્સ માર્કેટ કુલ ભારતીય લોજિસ્ટિક્સ માર્કેટના માત્ર 10 ટકા જેટલું જ છે. ઓછા સમયમાં ડિલિવરી મેળવવાની ગ્રાહકોની વધતી જતી પસંદગી અને પ્રોડક્ટ્સની ઝડપી ડિલિવરી માટે અવનવી ટેક્નિક્સના વધી રહેલા ઉપયોગ જેવી બાબતો ભારતમાં ઓર્ગેનાઈઝ્ડ લોજિસ્ટિક્સ કંપનીઓના વૃદ્ધિમાં નવી ઊર્જાનો સંચાર કરી રહી છે. ઓર્ગેનાઈઝ્ડ લોજિસ્ટિક્સ સેક્ટર વર્ષે 10થી 15 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે, એમ શ્રી મોકરિયાએ ઉમેર્યું હતું.
નાણાંકીય વર્ષ 2021-22 માટે કંપની 3,190 નવા પિનકોડ ઉમેરવાની યોજના ધરાવે છે જે 900થી વધુ નવા લોકેશન્સ આવરી લેશે. આ 900થી વધુ નવા લોકેશન્સ પૈકી 200 મુખ્ય શહેરો હશે અને બાકીના ટિયર-ટુ અને ટિયર-થ્રી શહેરો હશે.
આ આક્રમક વિસ્તરણ યોજના સાથે શ્રી મારૂતિ કુરિયર નાણાંકીય વર્ષ 2022ના અંત સુધીમાં 2,500 શહેરો અને નગરોમાં નેટવર્ક અને લગભગ 4,000 આઉટલેટ્સનો લક્ષ્યાંક રાખે છે. કંપની એર અને સરફેસ ટ્રાન્સપોર્ટ રૂટ્સ દ્વારા રોજિંદા ધોરણે 2.5 લાખ કુરિયર અને કન્સાઈનમેન્ટ્સની ડિલિવરી કરે છે. કંપની કર્મચારીઓ, ફ્રેન્ચાઈઝી તથા અન્ય એસોસિયેટ્સ સહિત 15,000થી વધુ પ્રતિબદ્ધ અને ખંતીલા કર્મચારીઓ ધરાવે છે.