શ્રી મારૂતિએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી માટે ‘લેન્ડ ઓફ લિજેન્ડ’ કેમ્પેઈન શરૂ કર્યું
ભારતના 75 મહાનુભાવોની જન્મભૂમિ પ્રત્યે સન્માન દર્શાવવા કંપની દરેક શિપમેન્ટ પર તેમના લેબલ મૂકશે-15 ઓગસ્ટથી શરૂ થયેલું આ અભિયાન બીજી ઓગસ્ટ, ગાંધી જયંતિ સુધી ચાલશે
અમદાવાદ, ભારતને ગૌરવ અપાવનાર મહાન વિભૂતિઓની જન્મભૂમિ પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે શ્રી મારૂતિ કુરિયર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડે સ્વતંત્રતા દિવસથી એક અનોખું અને વિશાળ અભિયાન ‘લેન્ડ ઑફ લિજેન્ડ’ શરૂ કર્યું છે.
અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણી કરવા માટે દેશભરમાં આ અભિયાનની શરૂઆત કરી છે, જે ભારત સરકારની આઝાદીના 75 વર્ષ અને તેના લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઊજવણી અને સ્મૃતિની પહેલ છે. ‘લેન્ડ ઑફ લિજેન્ડ’ અભિયાન 02 ઓક્ટોબર, 2022 ના રોજ મહાત્મા ગાંધીના જન્મદિવસે સમાપ્ત થશે.
કંપનીએ એવા 75 દિગ્ગજ મહાનુભાવોની યાદી બનાવી છે જેમણે દેશ માટે ગૌરવપૂર્ણ સ્વતંત્રતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે, ઉપરાંત આધુનિક ભારતમાં નવી ઊર્જા અને ભાવનાને વેગ આપ્યો છે. દેશના કોઈપણ ખૂણામાં ડિલિવરી માટે તૈયાર હોય
તેવા શિપમેન્ટ પર આ મહાનુભાવોનો ફોટો અને તેની જન્મભૂમિનો ઉલ્લેખ દર્શાવતું વિશેષ લેબલ મૂકવામાં આવશે. કંપનીનો ઉદ્દેશ્ય લોકોને આ જાણીતી હસ્તીઓના જન્મ સ્થાનો વિશે જાગૃત કરવાનો છે. આ યાદીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો મેળવનારાઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ મેળવનારા અગ્રણીઓનો સમાવેશ થાય છે.
આ પહેલ અંગે ટિપ્પણી કરતા, શ્રી મારુતિ કુરિયર સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અજય મોકરિયાએ જણાવ્યું હતું કે, “અમને એ જોઈને આનંદ છે કે સમગ્ર દેશ એક અનન્ય કહી શકાય તેવો ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે,
જે ભારતની ભવ્ય સ્વતંત્રતા ચળવળનો તહેવાર અને સ્વતંત્રતા સંગ્રામના યોદ્ધાઓની પ્રેરણા છે. આપણે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી એવા ઘણા દિગ્ગજો હતા હતા જેમણે નવા ભારતના ઘડતરમાં ઉત્તમ યોગદાન આપ્યું. દુઃખની વાત એ છે કે, મોટાભાગના ભારતીયો આ મહાનુભાવોની જન્મભૂમિ વિશે જાણતા જ નથી.
જે ભૂમિ પર આવા આદરણીય, પ્રતિષ્ઠિત અને મહાનુભાવો જન્મ્યા હોય તે ભૂમિ પર આપણને ગર્વ હોવો જોઈએ. આ અભિયાન થકી ભારતના મહાન વ્યક્તિઓની મહાન જન્મભૂમિ વિશે જાગૃતિ ફેલાવવાનો અમારો એક નમ્ર પ્રયાસ છે.”
કંપની એર અને સરફેસ ટ્રાન્સપોર્ટ રૂટ્સ દ્વારા દૈનિક ધોરણે 2.5 લાખ કુરિયર અને કન્સાઈનમેન્ટ્સનું સંચાલન કરે છે. આ અભિયાન માટેના મહાનુભાવોની યાદીમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરૂ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ,
ભગત સિંહ, અટલ બિહારી વાજપેયી, ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ફિલ્ડ માર્શલ સામ માણેકશા, સી વી રમણ, ડૉ. એ પી જે અબ્દુલ કલામ, જેઆરડી ટાટા, કપિલ દેવ, એન આર નારાયણ મૂર્તિ, લતા મંગેશકર, રાજા રામમોહન રાય જેવી અનેક હસ્તીઓ સમાવિષ્ટ છે. ભારત આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે શ્રી મારૂતિ આ 75 મહાન વ્યક્તિઓની જન્મભૂમિને વંદન કરે છે.