‘બોલે તેના બોર વેચાય…’ ‘ન બોલવામાં નવગુણ’
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/speaking.jpg)
બોલે તેના બોર વેચાય, અલબત્ત આ કથન ખોટું નથી પરંતુ ઘણી વખત માનવી પોતાની જાતને વધારે પડતી હોશિયાર માનતી હોય છે તથા બધાને વાતવાતમાં સલાહ આપવા બેસી જાય છે જેથી પોતે પોતાનું માન ગુમાવે છે. જરૂર પડતું અને યોગ્ય માણસને યોગ્ય સમયે યોગ્ય વાત કરવાથી તેનું માન જળવાઇ રહે છે.
ઘણી વખત માનવી આવેશમાં અને આવેગમાં આવીને ન બોલવાના વેણ બીજાને સંભળાવીને પોતાનું પોત પ્રકાશે છે ને હાડોહાડ અપમાન કરવાનું પણ બાકી રાખતા નથી. કોની જોડે કેવી રીતે વાત કરવી અને કેવી રીતે વર્તવું તે લોકોએ જાણવું જોઇએ.
‘બોલે તેના બોર વેચાય’ આ વિધાનની સાથે સાથે બીજા કથનનું પણ માનવીએ ધ્યાન રાખવું જોઇએ કે ‘ન બોલવામાં નવગુણ’ અલબત્ત આ બન્ને વિરોધાર્થી કહેવતો હોવા છતાં બન્નેનો સારાંશ દૈનિક વ્યવહાર કે વ્યવસાયમાં સંજોગાનુસાર ઉપયોગ કરવાથી ફળદાયક પરિણામ આવે છે..
નેતા કે અભિનેતા તથા સેલ્સમેનોએ તો બોલવામાં કાબેલ રહેવું જ પડે છે જેથી તેઓના વિચારો પ્રદશિત કરીને પોતે બીજા પર પ્રભાવ પાડી પોતાનું કામ કઢાવી શકે છે. આવી વ્યક્તિઓએ બોલવા પર ઘણું જ ધ્યાન આપવું પડે છે નહિતર પોતાનું ધ્યેય સિદ્ધ કરી શકતા નથી. શરમાળ તથા લઘુતાગ્રંથીથી પીડાતી વ્યક્તિઓ સમાજમાં નિરસ રહેતી દેખાય છે અને લોકો તેઓનો સાથ ઈચ્છતા નથી ને તેઓ એકલા પડી જાય છે.
મતભેદ તો થાય પરંતુ ઘણી વખત મૌન રાખવાથી મનભેદ થતો અટકી જાય છે. ઘણા માણસો બીનજરૂરી બોલી બોલીને બીજાનું લમણું દુઃખાડતા હોય છે. ઘણા માણસોને રજનું ગજ કરવાની ટેવ પડી ગઇ હોય છે. વધારે પડતું બોલવાથી કોઇ કોઇ વખત ભૂલથી ખોટું બોલાઈ જવાની શક્યતા રહે છે અથવા વધારે પડતું બોલવાથી ન બોલવાના વેણ બોલાઇ જતા બીજાને દુઃખ પંહોચે છે. તથા વધું પડતું બીનજરૂરી બોલવાથી પોતાની શક્તિ પણ વેડફાય છે.
ઘણા લોકો અવિચારી વાણી બોલીને બીજાને ઉતારી પાડીને પોતે કોઇ વાઘ માર્યો ન હોય તેવો તેઓ આનંદ મેળવતા હોય છે. ઘણાની જીભ લાંબી હોય છે જેથી ફાવે તેમ બોલી દે છે ને પછી પસાતાવાનો વારો આવે છે. ઘણાને બોલાચાલી વગર ચેન પડતું જ નથી.
માનવીનાં સંબંધો બગડવામાં ઘણા કારણોમાંનું એક કારણ વાણીનો દુરુપયોગ પણ હોઇ શકે છે. વિવેક વિનાની ભાષાનો ઉપયોગથી અનેકના પતન તથા મરણ પણ થયેલ છે. તથા દ્વેશ, કલહ, કંકાસ રૂપી વાણી બોલીને બીજાનું પારાવાર નુકસાન તો કરે છે. પણ સાથે સાથે પોતાનીતબિયતમાં પણ અસર થાય છે. વાણીમાં સંયમ રાખવાથી અનેક પ્રકારના વેરઝેર કે કલહ, કંકાસ કે કુસંપથી બચી જવાય છે.
મૌન કે વાણીનો સંયમ રાખનાર વ્યક્તિ શાંતિથી જીવન ગુજારે છે ને તે વ્યક્તિને ખોટું બોલવાનો પ્રસંગ પણ આવતો નથી. વાણીમાંથી કડવાશનો બહિષ્કાર કરીને મીઠાશને આવકારી લોકોમાં પ્રિય થઇ જવાય છે. અલબત્ત બોલવામાં સંયમ રાખવો તે કપરું છે પરંતુ તે સફળતા મેળવવામાં અગત્યનો ભાગ ભજવે છે
મૌન રહેવાથી ભવિષ્યના આયોજન માટે વિચાર કરી શકાય છે તથા ભૂતકાળમાં થયેલી ભૂલોને યાદ કરીને ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રખાય છે. મૌન માનવીને સુખ, શાંતિ તથા શક્તિ આપે છે.
સારી વાણીના ઉપયોગથી માનવી લોકોમાં પ્રિય બનવાથી તેની ઇજ્જતમાં પણ વધારો થવાથી તેના જીવનમાં ચાર ચાંદ લાગે છે.
તેથી જ કહેવાય છે કે સંસ્કારનું પહેલું સોપાન….. વાણીમાં સંયમ હોવો જરૂરી છે.