નવજાત બાળકીને ICUમાં 107 દિવસ સુધી સારવાર આપી શ્રી કૃષ્ણ હોસ્પિટલના ડોક્ટરોએ નવજીવન આપ્યું
શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદના નવજાત શિશુ વિભાગે બાળકીને નવજીવન આપ્યું
(તસ્વીરઃ વી.એ.ઉપાધ્યાય,આણંદ,) શ્રી કૃષ્ણ હોસ્પિટલ, ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદના નવજાત શિશુ વિભાગ દ્વારા પ૦૦ ગ્રામ વજનની અધૂરા માસે જન્મેલ બાળકીને સારવાર આપીને નવજીવન આપવામાં આવ્યું અને આ સાથે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી.
આ બાળકીને નવજાત આઈસીયુમાં ૧૦૭ દિવસ સુધી સઘન સારવાર આપવામાં આવી હતી. ચરોતર પ્રાંતમાં શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સૌથી ઓછું વજન ધરાવતા નવજાત શિશુને બચાવવામાં આવ્યું હોય તેવી આ સૌપ્રથમ ઘટના છે.
ખેડા જિલ્લાના વસોના રામોલ ગામના રહેવાસી બાળકીની માતાએ સગર્ભાવસ્થા દરમિયાન હાય બ્લડપ્રેશરને કારણે ઈમરજન્સીમાં ગર્ભાવસ્થાના ચોવીસમાં અઠવાડિયામાં જ સિઝેરિયન દ્વારા બાળકીને જન્મ આપ્યો હતો. જન્મ સમય બાળકી માત્ર પ૦૦ ગ્રામ વજન ધરાવતી હતી અને તેના ફેફસાં, મગજ, આંતરડા અને ત્વચા અવિકસિત હોવાને કારણે શરૂઆતના દિવસો પડકારરૂપ હતા.
શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે સમર્પિત નિયોનેટોલોજી વિભાગની કુશળ ટીમમાં ડૉ.સોમશેખર નિમ્બાલકર, ડૉ.દિપેન પટેલ, ડૉ.રેશ્મા પૂજારા, ડી.એમ.નિયોનેટોલોજીના સિનિયર રેસિડન્ટસ અને ન‹સગ સ્ટાફની દેખરેખ હેઠળ બાળકીને સારવાર પૂરી પાડવામાં આવી હતી.
ડૉ.રેશ્મા પૂજારાના જણાવ્યા અનુસાર બાળકી માટે શરૂઆતના થોડા દિવસો અત્યંત મુશ્કેલભર્યા હતા. બાળકીને ૧૯ દિવસ સુધી વેન્ટિલેટર સપોર્ટ અને ત્યારબાદ ૭૬ દિવસ સુધી કન્ટિન્યુઅસ પોઝિટિવ એરવે પ્રેશર સપોર્ટ હેઠળ રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન કાંગારૂ મધર કેર, ન્યુટ્રિશ્યમ મેનેજમેન્ટ અને સપોર્ટીવ કેર પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ બાળકી ધીરે ધીરે માતાનું ધાવણ લેતી થઈ.
આમ નવજાત શિશુના આઈસીયુમાં બાળકીને ૧૦૭ દિવસ સુધી સઘન સારવાર આપ્યા બાદ તેની તબિયતમાં સુધારો થતાં અને બે કિલો વજન થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જો કે, આ બાળકીની સારવાર આયુષ્યમાન ભારત યોજના નિઃશુલ્ક કરવામાં આવી હતી. પરંતુ નવજાત આઈસીયુમાં બાળકીનું રોકાણ લાંબા સમયનું થતાં સંસ્થાએ દાતાશ્રીઓને અપીલ કરીને સારવારનો ખર્ચ ઉઠાવ્યો હતો. ડૉ.રેશ્મા પૂજારાના જણાવ્યા અનુસાર બાળકી હવે તંદુરસ્ત છે અને તેના માતા-પિતા ફોલોઅપ માટે ઓપીડી વિભાગમાં નિયમિતપણે લઈને આવે છે.