શટલ રિક્ષામાં થતી લૂંટ અને ચોરીને કેવી રીતે રોકી શકાય તે માટે પોલીસે રીલ પણ બનાવી લોકોને સાવચેત કર્યા
શટલ રિક્ષામાં લૂંટ અને ચોરી કરતી ગેંગનો આતંક-પેસેન્જર્સના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓ પેસેન્જરની નજર ચૂકવીને તેમના કિંમતી સરસામાનની ચોરી કરીને ફરાર થઈ જાય છે
અમદાવાદ, શહેરમાં શટલ રિક્ષાની આડમાં ચોરી અને લૂંટ કરતી ગેંગ સક્રિય છે જે કોઈપણ સમયે શિકાર કરતી હોય છે. શહેરમાં ઠેર-ઠેર શટલ રિક્ષાઓમાં ખતરનાક ઈરાદા રાખનાર ગેંગ હોય છે. શટલ રિક્ષામાં પેસેન્જર્સના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓ પેસેન્જરની નજર ચૂકવીને તેમના કિંમતી સરસામાનની ચોરી કરીને ફરાર થઈ જાય છે. શટલ રિક્ષામાં ૧.૭૧ લાખના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે.
ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા શ્રીનાથ એવન્યુમાં રહેતા જેરામભાઈ પટેલે વાડજ પોલીસ સ્ટેશનમાં શટલ રિક્ષાચાલક અને તેના સાગરિતો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ કરી છે. જેરામભાઈ પટેલ નિવૃત્ત જીવન ગુજારે છે અને સંયુક્ત પરિવારમાં રહે છે. બે દિવસ પહેલાં બપોરે અઢી વાગ્યાની આસપાસ જેરામભાઈ તેમના પત્ની જ્યોત્સ્નાબહેન સાથે બહુચરાજીથી એસટી બસમાં બેસીને અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા.
View this post on Instagram
જેરામભાઈ પાસે સરસામાનમાં કપડા મૂકવાની બેગ હતી અને સોના-ચાંદીના દાગીના તેમજ રોક રકમ ભરેલું પર્સ હતું. સાંજના પાંચ વાગ્યાની આસપાસ જેરામભાઈ અને જ્યોત્સ્નાબહેન રાણીપ બસ સ્ટેન્ડ પર ઉતર્યા હતા. બન્ને ચાલતા ચાલતા બહાર આવ્યા ત્યારે એક શટલ રિક્ષા ઊભી હતી જે ચાંદલોડિયા જવાની હતી. રિક્ષામાં પહેલેથી ચાલક સહિત પાંચ લોકો બેઠા હતા.
પેસેન્જર સીટમાં ત્રણ શખ્સો બેઠા હતા અને ચાલક પાસે એક શખ્સ બેઠો હતો જેથી જેરામભાઈ ચાલક પાસે બેસી ગયા અને જ્યોત્સનાબહેન પાછળની રિક્ષા અખબારનગર સર્કલ પાસે પહોંચી ત્યારે ચાલકે એકાએક રિક્ષા ઊભી રાખી હતી. ચાલકે જેરામભાઈને કહ્યું કે, હું આ પેસેન્જર્સને આગળ મૂકીને પરત આવું છું. થોડા સમય સુધી રાહ જોયા બાદ રિક્ષાચાલક નહીં આવતા જેરામભાઈ અને જ્યોત્સ્નાબહેન બીજી રિક્ષામાં બેસીને ઘરે જતા રહ્યા હતા. ઘરે જઈને જોયું તો જ્યોત્સનાબહેન પાસે રહેલા પર્સની ચેઈન ખુલ્લી હતી અને તેમાંથી ૧.૭૧ લાખના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ગાયબ હતી.
જેરામભાઈએ તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો જેથી પોલીસ ટીમ આવી પહોંચી હતી. વાડજ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યોત્સનાબહેનના માલસામાનની ચોરી કરી લીધા બાદ ગઠિયાઓએ રિક્ષાચાલકને સિગ્નલ આપી દીધું હતું. સિગ્નલ આપ્યા બાદ દંપતીને રિક્ષામાંથી ઉતારી દીધું હતું અને ચોરીનો સરસામાન લઈને નાસી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં કાલુપુર રેલવે સ્ટેશન પર આવેલા બે પરપ્રાંતિય યુવકો શટલ રિક્ષામાં બેઠા હતા. પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા લૂંટારૂઓએ બન્ને યુવકોને છરીબતાવીને તેમની પાસેથી લૂંટ કરી હતી. યુવકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દેતાં પોલીસ ટીમ આવી પહોંચી હતી અને લૂંટ કરનાર ગઠિયાને ઝડપી પાડયો હતો.
શહેરમાં શટલ રિક્ષાનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શટલ રિક્ષામાં કારણે બે મોટી સમસ્યા સર્જાઈ છે જે ઘણી નુકસાનકારક છે. શટલ રિક્ષાથી ઊભી થતી એક સમસ્યા ટ્રાફિક જામ અને બીજી સમસ્યા પેસેન્જર્સની સુરક્ષાની છે. ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે ટ્રાફિક પોલીસ તો છે પરંતુ પેસેન્જર્સની સુરક્ષા માટે હજુ સુધી કોઈ ઉપાય નથી. શટલ રિક્ષામાં પેસેન્જર્સને લૂંટી લેવાના અનેક કિસ્સા શહેરમાં વધી રહ્યા છે જે ખૂબ ચિંતાજનક છે.
શટલ રિક્ષામાં થતી લૂંટ અને ચોરીને કેવી રીતે રોકી શકાય તે માટે પોલીસ દ્વારા એક રીલ પણ બનાવીને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી છે. રીલમાં પોલીસ કર્મચારીઓએ દર્શાવ્યું છે કે, એક પિતા-પુત્રી કાલુપુર રેલવે સ્ટેશનથી અમદાવાદ આવે છે. ત્યારબાદ એક શટલ રિક્ષામાં બેસે છે. રિક્ષાચાલક થોડે દૂર જઈને બીજા બે પેસેન્જર્સને બેસાડે છે જે તેમના સાગરિતો હોય છે.
રિક્ષાચાલક જ્યારે તેમના સાગરિતોને સિગ્નલ આપે ત્યારે એક ગઠિયો તેની પાસે રહેલી છરી કાઢે છે અને તે પછી પિતા-પુત્રીને બતાવીને તેમની પાસે રહેલા કિંમતી સરસામાનની ચોરી કરી લેતા હોય છે. નાટય સ્વરૂપમાં રૂપાંતર થયેલી આ રિલ પોલીસે ફેસબુક તેમજ ઈન્સ્ટાગ્રામના પ્લેટફોર્મ પર અપલોડ કરી છે. રીલ બનાવવા પાછળનું કારણ લોકોમાં જાગૃતિ આવે તે માટેનું છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ સહિતની જગ્યાઓ પર રિક્ષાચાલકો પેસેન્જર્સની વાટ જોઈને ઊભા રહે છે.
જ્યારે કેટલાક રિક્ષાચાલકો જે લૂંટ કરવા આવ્યા છે તે શિકારની રાહ જોઈને ઊભા હોય છે. જ્યારે રિક્ષામાં બેસો ત્યાર આરટીઓ રજિસ્ટ્રેશન નંબર નોંધ લેવી કે ફોટો ક્લિક કરી લેવો અને ચાલકની પાછળ લખેલી તમામ વિગતોનો ફોટોગ્રાફસ લઈ લેવો. જેથી કરીને જો લૂંટ કે ચોરીનો ભોગ બનો તો પોલીસને રિક્ષાચાલક સુધી પહોંચવામાં સફળતા મળે.