Western Times News

Gujarati News

સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીએ દેશની એકતા, અખંડિતતા ટકાવી રાખવા યોગદાન આપ્યું હતું

ગુજરાત વિધાનસભા ખાતે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૨મી જન્મજયંતીએ  સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરતાં વિધાનસભા અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી

સ્વ. શ્યામાપ્રસાદ મુખરજી “એક વિધાન-એક નિશાન-એક પ્રધાન” સિદ્ધાંતના શિલ્પકાર હતા : શંકર ચૌધરી

કલમ ૩૭૦ દુર કરીને આપણે આજે સ્વ. શ્યામાપ્રસાદને  સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે : શંકરભાઈ ચૌધરી

ગુજરાત વિધાનસભા ખાતે આજે સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૨૨મી જન્મ જયંતી નિમિતે વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી તથા મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતુ કે, સ્વ. શ્યામાપ્રસાદ મુખરજી “એક વિધાન-એક નિશાન-એક પ્રધાન” સિદ્ધાંતના શિલ્પકાર હતા. શિસ્ત અને શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન એમનામાં બાળપણથી જ થયા હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમને ઉદ્યોગ અને પુરવઠા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. કાશ્મીર મુદ્દે તેઓ ખૂબ જ સક્રિય અને ચિંતિત હતા. કલમ ૩૭૦ને દુર કરીને આપણે આજે તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા રાજનીતિજ્ઞ, રાષ્ટ્રવાદી અને દેશભક્ત સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીને કોટિ કોટિ વંદન.

પ્રખર રાષ્ટ્રવાદી નેતા એવા શ્યામાપ્રસાદ મુખરજીએ દેશની એકતા, અખંડિતતા ટકાવી રાખવા અપ્રતિમ યોગદાન આપ્યું હતું. એમની દેશદાઝના અનેક સંસ્મરણો છે ત્યારે નવી પેઢીને દેશદાઝ માટે અનેરૂ યોગદાન પુરુ પાડશે. મહત્વપૂર્ણ છે કે, રાજયની ભાવિ પેઢી માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની રહેનાર રાષ્ટ્રના મહાનુભાવો અને આઝાદીની ચળવળના સ્વાતંત્ર્ય સેનાનીઓના તૈલચિત્રો વિધાનસભા બિલ્ડિંગ પોડિયમમાં મુકવામાં આવ્યા છે.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજ્ય મંત્રીશ્રી પ્રફુલ્લ પાનશેરિયા, ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રીશ્રી ભીખુસિંહ પરમાર, ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ગાંધીનગર મહાનગર પાલિકા મેયરશ્રી હિતેશ મકવાણા સહિતના અગ્રણીઓ, વિધાનસભા ખાતે કાર્યરત અધિકારી-કર્મચારીશ્રીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓએ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીને આદરાંજલિ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.