Western Times News

Gujarati News

સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામેથી ‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ

માહિતી બ્યુરો, પાટણ, “પાણીના ટીપે ટીપામાંથી બને છે મહાસાગર, પાણીથી જ થાય છે જીવન ઉજાગર.” સમગ્ર રાજ્યમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવાના હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટેના મહત્વના ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો રાજ્યવ્યાપી પ્રારંભ શુક્રવાર તા.૧૭ ફેબ્રુઆરીથી થઈ રહ્યો છે,

ત્યારે પાટણ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રારંભ આજરોજ સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામેથી થયો છે. માન.કેબીનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે આજરોજ પાટણના જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ કુંવારા ગામના તળાવની ખાતમુહૂર્ત વિધિ પણ કરી હતી.

સુજલામ સુફલામ જળ અભિયાન તા.૧૭ ફેબ્રુઆરીથી તા.૩૧મી મે એટલે કે ૧૦૪ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ચાલવાનું છે. સરકારશ્રી દ્વારા ગુજરાતમાં મે–૨૦૧૮ થી સુજલામ-સુફલામ જળ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારથી અત્યાર સુધીમાં આ અભિયાન હેઠળ પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.

જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં જળસંગ્રહ માટેના અનેક કામો પૂર્ણ થયા છે. જેના કારણે જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થયો અને રાજ્યના ૩૩ જિલ્લાઓમાં અનેક તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. પાટણ જિલ્લાની વાત કરીએ સુજલામ સુફલામ યોજના શરૂ થયાથી વર્ષ-૨૦૨૨ સુધી વિભાગ વાઈઝ કુલ ૧૭૮૪ કામો રૂ.૩૩ કરોડ ૨ લાખ સત્તાણું હજારમાં પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.

સુજલામ સુફલામ અભિયાન અંતર્ગત કુંવારા ગામની શ્રી રામજી વાડી, સંસ્કારભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોને સંબોધિત કરતા માન.મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, આજે આપણા સૌ માટે આનંદનો દિવસ છે. માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજરોજ રાજ્યના ૩૩ જિલ્લામાં એકસાથે સુજલામ સુફલામ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પહેલાના સમયમાં નદીઓ વહેતી દેખાતી અને તળાવો ભરેલા દેખાતા. પરંતુ જેમ જેમ સમય ગયો તેમ તેમ તળાવો અને નદીઓના પાણીના તળ નીચા જતા ગયા. આ પ્રાણ પ્રશ્નના ઉકેલ માટે તેમજ પાણીના તળ ઉંચા લાવવા માટે સરકારશ્રી પ્રયત્નશીલ છે. આજે અનેક તળાવોનું નિર્માણ થઈ રહ્યું છે, અને દરેક વ્યક્તિના ઘરે આજે પાણી પહોંચતું થયું છે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુજલામ સુફલામ અભિયાન હેઠળ દરેક જિલ્લામાં ૭૫ તળાવો બને તેવા હેતુ નક્કી કરવામાં આવ્યો છે. આજે ગુજરાત તમામ બાબતમાં વિકાસ કરી રહ્યું છે. ‘’હર ઘર નલ અને હર નલ મેં જલ’’ તેમજ ‘’હર ખેત મેં પાની’’ના ઉદેશ્ય સાથે આજે સરકારશ્રી દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

મારે ગામના દાતાશ્રીઓને અપીલ કરવી છે કે, ગામમાં પાણીની વ્યવસ્થા માટે તેઓ આગળ આવે. તેમજ ગ્રામજનો પાણીનું મહત્વ સમજે અને વરસાદનું પાણી એકઠું કરવાની પણ વ્યવસ્થા કરે જેથી ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન ન રહે. લોકભાગીદારીથી જ સુજલામ સુફલામ અભિયાન ખરા અર્થમાં સાર્થક થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.