સિદ્ધપુરમાં શ્રી સુલતાન જૈન મંદિરમાં તસ્કરો ત્રાટક્યા
પાર્શ્વનાથ જૈન મંદિરમાં સુવર્ણ ચક્ષુ સહિત ર.૯૦ લાખની ચોરી
સિદ્ધપુર, સિદ્ધપુર સુજાણપુર પાટિયા નજીક હાઈવે પર શ્રી સુલતાન પાર્શ્વનાથ જૈન મંદિરમાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા. મંદિરમાંથી તસ્કરોએ સોનાના ઘરેણા તેમજ દાન પેટીમાંથી રોકડ રકમ સહિત કુલ રૂ.ર.૯૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા.
મંદિરમાં ગત ૩૧.૮.ર૦ર૪ના રોજ રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો મંદિરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જેમાં મુખ્ય ભગવાનની મૂર્તિના સોનાના બે ચક્ષુ તથા બે ભ્રમણ અંદાજી કિ. રૂ.૧ લાખ તેમજ મુખ્ય મૂર્તિના અને બહારના ભાગની ત્રણ મૂર્તિના નાના-મોટા ચાંદીના ટીકા નંગ-ર૭ કિ. રૂ.૧ લાખ,
તેમજ બહારના ભાગે લગાવેલ નાની મૂર્તિઓમાંથી ચાંદીના આઠ ચક્ષુ તેમજ આઠ ભ્રમર મળી કુલ સોળ અંદાજીત કિ.રૂ.૪૦ હજાર તથા ગર્ભગૃહમાંથી પંચધાતુનો એક પાટલો કિ.રૂ.૧૦ હજાર તેમજ મંદિરમાં રહેલ દાન પેટીમાંથી રોકડ રકમ રૂ.૪૦ હજાર મળી કુલ રૂ.ર.૯૦.૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
બીજા દિવસે ગત ૧ સપ્ટેમ્બરના રોજ સવારે મંદિરના પુજારી પુજા કરવા જતાં મંદિરમાં સામાન વેરવિખેર પડયો હતો જેથી ઓફીસ મેનેજરને જાણ કરી હતી અને ત્યારબાદ મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરવામાં આવી હતી.
જેને લઈ મંદિરના ઓફિસર મેનેજરની નોકીર કરતા પ્રવિણચંદ્ર ડાહ્યાલાલ શાહ રહે. ઈડર તા. સાબરકાંઠાવાળાએ ચોરી અંગે સિદ્ધપુર પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ સિદ્ધપુર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.