Western Times News

Gujarati News

સિગ્નલ સ્કુલ પ્રોજેકટ હેઠળ ભીખ માંગતા ૧૦૧ બાળકોને શિક્ષણ આપવામાં આવશે

Signal school education to poor children

મ્યુનિ. સ્કૂલ બોર્ડ ભિક્ષા માગતાં બાળકો માટે બીજી બસ શરૂ કરશે-મ્યુનિ. તંત્ર રૂ. દસ લાખના ખર્ચે એક એમ કુલ ત્રણ બસને રૂ.૩૦ લાખના ખર્ચે તૈયાર કરશેઃ તંત્ર બે બસ સ્પેરમાં રાખશે

(એજન્સી) અમદાવાદ, ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત રાજય કાનૂની સત્તામંડળના સહયોગથી અમદાવાદ મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા શહેરના ચાર રસ્તા પર ભિક્ષા માગતાં માસુમ બાળકો માટે સિગ્નલ સ્કુલ પ્રોજેકટ હાથ ધરાયો છે, જે અંતર્ગત કુલ ૧૩૯ બાળકોના અંધકારમય જીવનમાં વિદ્યાનો પ્રકાશ ફેલાવવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરાઈ રહ્યો છે.

ઘોર ગરીબીમાં જીવનારા આ બાળકોના ભાવિ જીવનમાં વિદ્યારૂપી ઉજાશ પાથરવાના અભિગમમાં મહદ્‌અંશે સફળતા સાંપડી હોઈ સત્તાવાળાઓએ આવા વધુ ૧૦૧ બાળકો શોધી કાઢયા છે. ઉપરાંત બાળકો માટે બીજી બસ શરૂ કરવાની દિશામાં હિલચાલ હાથ ધરી છે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્ય્નિ. સ્કૂલ બોર્ડ દ્વારા સિગ્નલ બસ સ્કૂલ પ્રોજેકટને લગતી દરખાસ્ત મંજૂરી માટે મુકાઈ છે, જેમાં આ પ્રોજેકટ માટે વધુ ત્રણ બસ તૈયાર કરવાની રજુઆત કરાઈ છે જે માટે પ્રતિ બસ રૂ.૧૦ લાખનો ખર્ચ થશે એટલે કે રૂ.૩૦ લાખના ખર્ચે ત્રણ બસ તૈયાર કરાશે.

સ્કૂલ બોર્ડ ૧૩૯ બાળકો બાદ મણિનગર, ઈસનપુર, ખાડિયા, ઠક્કરનગર, પલ્લવ ચાર રસ્તા, અંધજનમંડળ, આરટીઓ સર્કલ, સરદારનગર અને પાલડી ચાર રસ્તા એમ શહેરના કુલ દસ ચાર રસ્તા પર ભીખ માગીને જીવનનિર્વાહ કરનારા ૧૦૧ બાળકોને શોધી કાઢયા છે.

એટલે અગાઉના ૧૩૯ બાળકો અને નવા શોધાયેલા ૧૦૧ બાળકો મળીને કુલ ર૪૦ બાળકોને નજીકની શાળામાં અભ્યાસ કરવા જાેડી દેવાયા છે તેમ સ્કુલ બોર્ડના શાસનાધિકારી ડો. એલ.ડી.દેસાઈ કહે છે. બેથી ૧૪ વર્ષની વયના બાળકોને ભણાવવા માટે ખાસ ડિઝાઈન ધરાવતી બસ તૈયાર કરાઈ છે, જેમાં સીસીટીવી કેમેરા, જીપીએસ, વાઈફાઈ, રમતગમતના સાધનો, પાણી, સ્વચ્છતા કિટ, ફર્સ્ટ એઈડ કિટ જેવી સુવિધા સાથે તે આબેહુબ શાળા અને તેના વર્ગખંડ જેવી લાગે છે.

આ બસની ડિઝાઈન સ્કુલ બોર્ડના સત્તાવાળાઓએ તૈયાર કરી છે. હાઈકોર્ટ દ્વારા બાળકોને શૈક્ષણિક કિટ અને તાજા ફળફળાદિ પુરા પડાઈ રહ્યા છે. બાળકો માટે મધ્યાહન ભોજન તેમજ નાસ્તો અને આરોગ્યની નિયમિત તપાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. આ પ્રોજેકટ માટે તંત્રે રૂ.ર.ર૭ કરોડ ફાળવ્યા છે. ડો.એલ.ડી. દેસાઈ વધુમાં કહે છે, નવરાત્રિમાં બીજી બસ ૧પ બાળકોને ભણાવશે અન્ય બે બસ સ્પેરમાં રખાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.