ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે સિક્કિમમાં ૧ હજારથી વધુ પર્યટકો ફસાયા

ઉત્તરી સિક્કિમમાં લાચેન-ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર લેમા-બોબ પાસે ભૂસ્ખલન
સિક્કિમ, ઉત્તરીય સિક્કિમમાં ભારે મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે એક હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ઉત્તરી સિક્કિમમાં લાચેન-ચુંગથાંગ રોડ પર મુન્શીથાંગ અને લાચુંગ-ચુંગથાંગ રોડ પર લેમા-બોબ પાસે મોટાપાયે ભૂસ્ખલન થયું છે.જેનાથી રસ્તાઓ બંધ છે.
ચુંગથાંગ ગુરૂદ્વારા કેમ્પમાં આશરે ૨૦૦ પર્યટક વાહનો ફસાયા છે. જ્યારે લાંચુંગમાં આશરે ૧૦૦૦ પર્યટકો ફસાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ખરાબ હવામાન અને રસ્તાઓ બંધ થતાં પોલીસે ઉત્તરીય સિક્કમ માટે પહેલાંથી નિર્ધારિત તમામ ટ્રાવેલ પરમિટ રદ કરી છે. તેમજ નવી ટ્રાવેલ પરમિટ ન આપવાનો નિર્ણય લીધો છે.
અધિકારીઓએ ટૂર ઓપરેટર્સને કડક નિર્દેશ આપ્યા છે કે, સુરક્ષાના કારણોસર આજે કોઈપણ પ્રવાસી ઉત્તરીય સિક્કિમની મુલાકાત લઈ શકશે નહીં. ત્યાં મૂશળધાર વરસાદ અને ભૂસ્ખલનના કારણે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થળો પર રહેવા સલાહ પણ આપવામાં આવી છે.
અવિરત વરસાદના કારણે ઉત્તરીય સિક્કમના અનેક વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પાણીમાં ડૂબ્યા છે. માર્ગ પરિવહન ખોરવાયો છે. ભૂસ્ખલનના કારણે કનેક્ટિવિટી ખોટવાઈ છે. તમામ ટૂર ઓપરેટર્સને ઉત્તરીય સિક્કમ બાજુ પ્રવાસીઓને ન મોકલવા આદેશ આપ્યો છે. જો વરસાદ બંધ ન થયો તો જળસ્તર વધવાની ભીતિ છે.
પ્રવાસના મુખ્ય સ્થળો લાચેન, લાચુંગ અને યુમથાંગ પર ભૂસ્ખલન તયુ હોવાથી પ્રવાસીઓને મુલાકાત ન લેવાં એલર્ટ જારી કર્યું છે. તેમજ ત્યાં હાજર પ્રવાસીઓને સુરક્ષિત સ્થળો પર મોકલવામાં આવી રહ્યા છે. આ ભૂસ્ખલનના જોખમના કારણે આ રસ્તાઓ પરથી પ્રવાસ ન કરવા પણ આગાહી આપવામાં આવી છે.