Western Times News

Gujarati News

ગુજરાત દેશનું પ્રથમ ટી.બી. મુક્ત રાજ્ય બને તે દિશામાં સંનિષ્ઠ પ્રયાસો

Sincere efforts towards becoming a Gujarat's first TB free state

ગાંધીનગર ખાતે ટી.બી. નિર્મૂલન માટે રાજ્યમાં ચાલી રહેલા “નેશનલ ટી.બી. એલીમીનેશન પ્રોગ્રામ”ની સમીક્ષા બેઠક યોજાઈ

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે ટી.બી. નિર્મૂલન માટે રાજ્યમાં ચાલી રહેલા “નેશનલ ટી.બી. એલીમીનેશન પ્રોગ્રામ”ની સમીક્ષા બેઠક યોજાઈ હતી. દેશભરમાં ચાલી રહેલા ટી.બી. નિર્મૂલનના અભિયાનમાં ગુજરાતની સ્થિતિ અંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે રાજ્યપાલશ્રીને માહિતગાર કર્યા હતા.

રાજ્યપાલશ્રીએ “નેશનલ ટી.બી. એલીમીનેશન પ્રોગ્રામ” અંતર્ગત રાજ્યમાં થયેલ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યમાં ટી.બી નિર્મૂલન માટે થઇ રહેલ સરાહનીય કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ ૨૦૨૫ સુધીમાં ટી.બી. મુક્ત ભારત બનાવવાનું સપનું જોયું છે,

તે દિશામાં પણ ગુજરાત સંનિષ્ઠ કામગીરી થકી દેશભરમાં પ્રથમ ટી.બી. મુક્ત રાજ્ય બને તે દિશામાં પ્રયાસો કરવા રાજ્યના આરોગ્ય વિભાગને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ગુજરાતને ટી.બી મુક્ત રાજ્ય બનાવવા અંગે નાગરિકોમાં પણ જનજાગૃતિ આવે તે માટે વિવિધ સેમીનાર તેમજ કાર્યક્રમોનું આયોજન કરવા પણ સૂચન કર્યું હતું.

આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચીવશ્રીએ ગુજરાતમાં ટી.બી. નિર્મૂલન  માટે થયેલ કામગીરીની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ટી.બી. નિર્મૂલનની મુહીમને જનભાગીદારીથી  સફળ  બનાવવા  તાલુકા સ્તર સુધી  તમામ જનપ્રતિનિધી,  સ્વૈચ્છિક  અને

સેવાભાવી સંસ્થાઓને પણ જોડવાનું આયોજન કરાયું છે. જે ટી.બી.ગ્રસ્ત દર્દીઓને દત્તક લઇને તેમને સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી સારવાર તેમજ પોષણક્ષમ આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનું કામ કરશે.

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧નાં ટી.બી. પ્રીવેલેન્સ સર્વે અનુસાર દેશમાં પ્રતિ એક લાખની વસ્તીએ કુલ ૩૧૨ ટી.બી.ના કેસ નોંધાય છે, જ્યારે ગુજરાતમાં પ્રતિ એક લાખની વસ્તીએ કુલ ૧૩૭ કેસ નોંધાય છે, જે અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ જ ઓછા છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યના આરોગ્ય વિભાગની સઘન કામગીરીના પરિણામે વર્ષ ૨૦૨૧માં ટી.બી.ના કેસોમાં ૨૦ ટકા જેટલો ઘટાડો થયો તે માટે ગુજરાતને કાંસ્ય કેટેગરીમાં એવોર્ડ એનાયત થયો છે.

તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા ટી.બી. નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દર્દીઓને સંપૂર્ણપણે નિ:શુલ્ક સારવાર અને દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. વધુમાં ટી.બી.ગ્રસ્ત દર્દીઓને આપાતી સહાય ડી.બી.ટી. મારફતે સીધી તેમના ખાતામાં જ જમાં કરાવવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

આ બેઠકમાં ગુજરાત આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી પૂરી પાડી હતી.  -દિલીપ ગજ્જર/નિતિન રથવી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.