પર્યાવરણને સૌથી વધારે નુકસાન કરતું ‘સિંગલ યૂઝ પ્લાસ્ટિક’
International Plastic Bag Free day-2023-સરેરાશ 50 થી 100 વર્ષ સુધી નાશ ના પામતી એક પ્લાસ્ટિકની બેગ એક વારના વપરાશ બાદ નિકાલ કરી દેવામાં આવે છે
‘સિંગલ યૂઝ પ્લાસ્ટિક’ માઇક્રોપ્લાસ્ટિક બની પર્યાવરણ તથા માનવ શરીરના આરોગ્યને નુકસાન પહોંચાડે છે
દર વર્ષે 3 જુલાઈના રોજ ‘આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત’ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ લોકોને સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા પ્રોત્સાહિત કરવા માટે અને વધારે માં વધારે પ્લાસ્ટિક પ્રદૂષણને ઘટાડવા માટે પ્રેરિત કરવા ઉજવવામાં આવે છે. આ દિવસ દુનિયાને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે, રિસાયકલ કરેલા સંસાધનોનો ઉપયોગ કરવા માટે પ્રેરણા આપે છે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિક એ ખૂબ જ સરળ રીતે વાપરી શકાય તેવું પ્લાસ્ટિક છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિક જેટલું લોકોના જીવનને સરળ બનાવે છે તેટલું જ તે લોકોના આરોગ્યને નુકસાન પણ પહોંચાડે છે. આપણે સૌ પ્લાસ્ટિકના ઉપયોગને ઓછું કરીએ અને તેના ગેરફાયદા વિશે જાણીએ જેથી આવનારી પેઢીને સ્વસ્થ અને પ્રદૂષણ મુક્ત પર્યાવરણનો લાભ મળી શકે છે. સ્વસ્થ અને સુંદર જીવન એ સૌનો હક્ક છે તો તે માટે સૌએ પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ.
ઇતિહાસમાં નજર નાખીએ તો પ્લાસ્ટિક બેગને વર્ષ 1965 માં સૌ પ્રથમવાર ઉપયોગમાં લાવવામાં આવી હતી. સરેરાશ 25 મિનિટ માટે વપરાતી એક પ્લાસ્ટિક બેગ 100 થી 500 વર્ષ સુધી નાશ પામતી નથી. દુનિયામાં એક મિલિયન કરતા પણ વધારે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ જોવા મળે છે. દરિયામાં થતા પ્રદૂષણમાં 80 ટકા કરતાં વધારે પ્રદૂષણ પ્લાસ્ટિક બેગનું જોવા મળે છે. ભારતના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કહેવા પ્રમાણે ભારતમાં દરરોજ અંદાજે 26 હજાર ટન જેટલા પ્લાસ્ટિક પ્રદૂષણનો ઉદ્ભવ થાય છે પરંતુ આ ઉત્પન્ન થયેલા 26 હજાર ટન પ્લાસ્ટિકમાંથી અંદાજિત 10 હજાર ટન જેટલા પ્લાસ્ટિક પ્રદૂષણને એકઠું જ કરી શકાતું નથી.
આવો જાણીએ સિંગલ યૂઝ પ્લાસ્ટિક વિશે:
જમીન અને દરિયાઈ પાણીને ખૂબ જ ગંભીર રીતે પ્રદૂષિત કરતા આ સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાં કુદરતી પર્યાવરણ તથા દરિયાઈ જીવોને ખૂબ જ મોટી રીતે પ્રદૂષિત કરવાની ક્ષમતા રહેલી છે. સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓનો એક વાર ઉપયોગ કરવામાં આવે છે અને પછી તેનો નિકાલ કરવામાં આવે છે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિકમાંથી બનેલી અને ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં વિવિધ જાતની વસ્તુઓ જેવી કે, પ્લાસ્ટિક બોટલ, ઇયર બડ્સ, પ્લાસ્ટિકની સ્ટ્રો, પ્લાસ્ટિકના ધ્વજ, કેન્ડી સ્ટીકસ, પ્લાસ્ટિકના ગ્લાસ, પ્લાસ્ટિકની ચમચી, પ્લાસ્ટિકના મીઠાઈના ડબ્બા,
આમંત્રણ પત્રો, સિગરેટના પેકેટ, 100 માઈક્રોન કરતાં ઓછા પ્લાસ્ટિક કે PVC ના બેનર, પ્લાસ્ટિક બેગ, ચા કે કોફીના કપ, ફૂડ પેકેજીંગ બેગ, દૂધની બેગ વગેરે આવી જાય છે. વૈશ્વિક સ્તરે ઉત્પાદિત થતા આ તમામ પ્લાસ્ટિકમાં ત્રીજા ભાગનો હિસ્સો સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો છે. આ તમામ પ્રકારનું પ્લાસ્ટિક ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં મોટો ભાગ ભજવે છે. આવનારા 50 થી 100 વર્ષમાં 5 થી 10 ટકા જેટલો હિસ્સો સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો હશે.
આપને જાણીને નવાઈ લાગશે કે સિંગલ યૂઝ પ્લાસ્ટિક માઇક્રોપ્લાસ્ટિકમાં ફેરવાઈ જાય છે અને તે આપણા ખોરાકમાં અને ત્યાંથી આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આ માઇક્રોપ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિકનો પ્રદૂષણ ફેલાવવામાં ખૂબ જ ઓછો ફાળો હોય છે. આ પ્રકારનું પ્લાસ્ટિક પર્યાવરણની દ્રષ્ટિએ ઉપયોગી હોય છે. જેથી આપણે બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ વધારવો જોઈએ.
આપણા પાડોશી દેશ બાંગ્લાદેશમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને આવું કરનાર તે પ્રથમ દેશ બન્યો હતો. ન્યૂઝીલેન્ડ, ચીન અને અમેરિકા જેવા દેશો પણ પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકનારા દેશો બન્યા હતા.
દુનિયાના અન્ય દેશો પણ સિંગલ યૂઝ પ્લાસ્ટિકને લગતા, પર્યાવરણને ફાયદાકારક નિયમો લઈને આવ્યા જેમાં રોજબરોજના જીવનમાં વપરાતી સિંગલ યૂઝ પ્લાસ્ટિકની વસ્તુઓ પર આંશિક કે પૂર્ણતઃ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ભારત દેશમાં પણ પર્યાવરણને થતા નુકસાન અને ઉપયોગિતાના આધારે 19 વસ્તુઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર કંટ્રોલ આવે અને પર્યાવરણને ફાયદો થાય થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. – શ્રદ્ધા ટીકેશ, અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી.