સિરાજની છ વિકેટે સાથે દ.આફ્રિકાનો ભારત સામે ટેસ્ટ સૌથી નીચો સ્કોર
કેપ ટાઉન, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે પહેલા જ સેશનમાં ૬ વિકેટ ઝડપી ઈતિહાસ રચી દીધો છે. સિરાજે ૯ ઓવરમાં ૧૫ રન આપીને સાઉથ આફ્રિકાના ૬ બેટ્સમેનોને પવેલિયન પરત કર્યા હતા.
કેપ ટાઉનમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિણર્ય કર્યો હતો. પરંતુ મિયાં ભાઈના નામે જાણીતા ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે એલ્ગરના આ ર્નિણયને ખોટો સાબિત કર્યો હતો. સિરાજની ઘાતક બોલિંગના કારણે સાઉથ આફ્રિકાની ટીમ ૫૫ રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
મોહમ્મદ સિરાજે એડન માર્કરમ, ડીન એલ્ગર, ટોની ડી જ્યોર્જી, ડેવિડ બેડિંગહામ, કાયલ વેરીન અને માર્કો યાનસીનને શિકાર બનાવ્યા હતા. આ મેચમાં મોહમ્મદ સિરાજની બોલિંગ એટલી ઘાતક હતી કે આફ્રિકન ટીમ તરફથી વેરીને ૧૫ રન અને બેડિંગહામે ૧૨ રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યો ન હતો.
ટેસ્ટ ઈતિહાસમાં ભારતીય ટીમ સામે સાઉથ આફ્રિકાનો કોઈ એક ઈનિંગમાં આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા સાઉથ આફ્રિકાની ટીમે નવેમ્બર ૨૦૧૫માં ભારત સામે સૌથી નાનો સ્કોર બનાવ્યો હતો. તે સમયે નાગપુર ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ટીમ ૭૯ રનના સ્કોરમાં સમેટાઈ ગઈ હતી. તે મેચમાં અશ્વિને પ્રથમ ઈનિંગમાં ૫ અને બીજી ઈનિંગમાં ૭ વિકેટ ઝડપી હતી.
આ સાથે ઘરઆંગણે પણ ભારત સામે સાઉથ આફ્રિકાનો આ સૌથી નાનો સ્કોર છે. આ પહેલા યજમાન ટીમે ભારત સામે ડિસેમ્બર ૨૦૦૬માં સૌથી નાનો સ્કોર બનાવ્યો હતો. તે સમયે સાઉથ આફ્રિકાની ટીમ જાેહાનીસ્બર્ગમાં ૮૪ રનમાં સમેટાઈ ગઈ હતી. તે મેચમાં એસ શ્રીસંતે પ્રથમ ઈનિંગમાં ૫ અને બીજી ઈનિંગમાં ૩ વિકેટ ઝડપી હતી. SS2SS