કચ્છમાં કોમર્સ કોલેજ ગોધરાનું નામ ગુંજતું કરતી NCCની બહેનો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) એનસીસી નું વલ્લભ વિદ્યાનગર ગ્રુપ અને ૩૦ એનસીસી ગુજરાત બટાલિયન ગોધરા તેમજ સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરાની એનસીસીની બે બહેનોએ કચ્છના કેરા ગામમાં આયોજિત એનસીસી શિબિરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી કચ્છમાં કોમર્સ કોલેજ ગોધરાનું નામ ગુંજતો કરી મૂક્યું હતું.
કોમર્સ કોલેજ ગોધરાની એનસીસી કેડેટ કુ. માનસી વાઘેલા ને કેમ્પના લીડર તરીકે સીઓ સાહેબે કેપ આપી સન્માન કર્યું હતું, જ્યારે કુ. પ્રિયંકા ઠાકોર અને માનસી વાઘેલાએ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લઈ કોમર્સ કોલેજ ગોધરાને ગૌરવ અપાવ્યું હતું. એટલું જ નહીં કુ. પ્રિયંકા ઠાકોરે મ્યુઝિકલ ચેર તથા ગ્રુપ ડાન્સમાં ભાગ લઈ દ્વિતીય ક્રમાંક મેળવી ટ્રોફી મેળવી હતી.
કુ. માનસી વાઘેલા અને કુમારી પ્રિયંકા ઠાકોરને એનસીસી તરફથી સર્ટિફિકેટ, મેડલ તથા ટ્રોફી મળતા તેઓએ કોલેજને ગૌરવ અપાવ્યું છે ત્યારે કોલેજના પ્રિન્સિપાલ તથા સ્ટાફે તેનું સન્માન કર્યું હતું. અને આવી સિદ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ ગોપાલસિંહજી સોલંકી, સેક્રેટરી કુ. કામિનીબેન ગોપાલસિંહ સોલંકી તથા સમગ્ર સ્ટાફે બંને દીકરીઓને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને દીકરીઓને તૈયાર કરવામાં શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનસીસી ઓફિસર જે વી જોગરાણા સાહેબનો ખૂબ જ સહકાર સાંપડ્યો છે તેમ પ્રોફેસર ડો. અરુણસિંહ સોલંકીએ જણાવ્યું હતું.