રિક્ષામાં બેસી કોડ સ્કેન કરો રિક્ષાચાલકની તમામ વિગતો મોબાઈલમાં આવી જશે
બારકોડ લેવા માટે શહેરના ૪૦ હજારથી વધુ રિક્ષાચાલકોએ વિગતો પોલીસમાં જમા કરાવી ઃ પોલીસના પાઈલટ પ્રોજેકટને જાેરદાર પ્રતિસાદ
(એજન્સી) અમદાવાદ, શહેરના રસ્તાઓ પર જાે કોઈ વાહન સૌથી વધુ જાેવ મળતું હોય તો તે રિક્ષા છે. પરિવહનના સૌથી લોકપ્રિય સાધન રિક્ષાનો ઉપયોગ ઘણા લોકો રોજગાર મેળવવા માટે કરતા હોય છે, પરંતુ શહેરમાં કેટલાક લોકો એવા પણ છે જે રિક્ષાનો ઉપયોગ ગુનાખોરી માટે કરે છે.
રિક્ષામાં પેસેન્જરોને લૂંટવાના હજારો કિસ્સા સામે આવ્યા છે ત્યારે હવે તેના પર ફુલસ્ટોપ વાગી જાય તેવી શકયતાઓ નકારી શકાતી નથી. રિક્ષામાં થતી ગુનાખોરીને રોકવા માટે પોલીસ ‘નિર્ભયા પ્રોજેકટ’ અંતર્ગત બારકોડ સિસ્ટમ લાવી રહી છે.
શહેરમાં ૪૦ હજારથી વધુ રિક્ષાચાલકોએ બારકોડ લગાવવા માટેના તમામ ડોક્યુમેન્ટ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધા છે જયારે કોઈપણ પેસેન્જર રિક્ષામાં બેસે તે પહેલાં તેણે બારકોડ પોતાના મોબાઈલમાં સ્ક્રેન કરવાનો રહેશે. જેથી ચાલકની તમામ માહિતી ફોનમાં આવી જશે. આ સિસ્ટમ લાગુ પડતાંની સાથે રિક્ષામાં થતી ચોરી, લૂંટ, છેડતી જેવા અનેક કિસ્સા આપોઆપ બંધ થઈ જશે.
ગુનાખોરીને અંજામ આપનાર રિક્ષાચાલકોના કારણે આજે મહેનત કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાત ચલાવનાર રિક્ષાચાલક પણ બદનામ થઈ રહ્યો છે. કેટલાક પેસેન્જર રિક્ષામાં બેસતાં પહેલા દસ વખત વિચાર કરે છે કે શું તે સુરક્ષિત જગ્યાએ હેમખેમ પહોંચી જશે ખરો, પેસેન્જરને આ પ્રકારનો વિચાર કરવા પાછળનું કારણ એટલું જ છે કે આજે રિક્ષાચાલકોની આડમાં લૂંટ કરતી ટોળકી સક્રિય થઈ છે.
રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં ફરતી ગેંગનો આતંક ધીમે ધીમે વધી રહ્યો છે. આ ગેંગ કયારેક કયારેક પેસેન્જરને ડરાવી ધમકાવીને તેમની પાસેથી કિંમતી ચીજવસ્તુ કે રૂપિયા પડાવી લે છે અથવા તો નજર ચૂકવીને ચોરી કરતા હોય છે છરીની અણીએ પણ પેસેન્જરોનો લૂંટવાના અનેક કિસ્સા શહેરના અનેક પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે.
પોલીસ તેમજ ક્રાઈમબ્રાંચે રિક્ષામાં ચોરી કરતી અનેક ગેંગને દબોચી લીધી છે તેમ છતાંય પેસેન્જરોને લૂંટવાના તેમજ ચોરી થવાના કિસ્સા અટકયતા નથી. શહેરમાં પેસેન્જરો સુરક્ષિત રહે અને કેટલાક રિક્ષાચાલકોના કારણે તમામ રિક્ષાચાલકોની ઈજ્જત ખરડાય નહી તે માટે પોલીસ ‘નિર્ભયા પ્રોજેકટ’ અંતર્ગત બારકોડ સિસ્ટમ લાવી રહી છે.
ટ્રાફિકના ડીસીપી નીતા દેસાઈના જણાવ્યા અનુસાર રિક્ષામાં થતી ચોરી, છેડતી, લૂંટ સહીતની ઘટનાઓને રોકવા માટે ફરજિયાત બારકોડ લગવવાનો નિર્ણય લેવાયો છે. રિક્ષામાં ત્રણ જગ્યા પર બારકોડ લગાવવામાં આવશે. જેમાં જયારે પણ પેસેન્જર રિક્ષામાં બેસે ત્યારે તેણે પોતાના મોબાઈલથી કોડ સ્કેન કરવાનો રહેશે.
કોડ સ્કેન કરતાંની સાથે જ રિક્ષાચાલકનું નામ, ફોટોગ્રાફસ, સરનામું તેમજ આરટીઓ રજિસ્ટ્રેશન નંબર સહિતની વિગત મોબાઈલમાં આવી જશે.
આગામી થોડા સમયમાં આ પ્રોજેકટ અમલમાં મુકાઈ જશે જેની તૈયારીઓ પુરજાેશથી ચાલી રહી છે. શહેરમં હાલ ૪૦ હજારથી વધુ રિક્ષાચાલકોએ બારકોડ લેવા માટે નજીકના ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તમામ ડોકયુમેન્ટ જમા કરાવી દીધા છે.
બારકોડ લેવા માટે રિક્ષાચાલકે તેના આધાર પુરાવા રિક્ષાની માલિકીના તમામ ડોકયુમેન્ટ જમા કરાવવા પડશે. ડીસીપીના જણાવ્યા અનુસાર હજુ પણ સંખ્યાબંધ રિક્ષાચાલકો પોતાની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં જમા કરાવશે.
અમદાવાદમાં મોટાભાગની રિક્ષાઓ ભાડેથી ચાલે છે. રિક્ષાના માલિક પાસેથી રોજના ૩૦૦ રૂપિયા લેખે કેટલાક લોકો રિક્ષા ભાડે લઈ જતા હોય છે. બારકોડની સિસ્ટમ લાગુ પડતાંની સાથે જ ભાડેથી રિક્ષા ચલાવનાર યુવકની વિગતો પણ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે.
રિક્ષાનો માલિક પહેલાં ભાડે લેનાર વ્યક્તિ સાથે ભાડા કરાર કરાવશે અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં વિગતો આપશે. બારકોડમાં સ્કેન કરનાર પેસેન્જરને ખબર પડશે કે રિક્ષાચાલકે કોને રિક્ષા ભાડે ચલાવવા માટે આપી છે. ભાડે ચલાવનારની તમામ વિગત પણ મોબાઈલમાં સ્કેન કરતાં જાેઈ શકાશે.