વિશ્વ વિખ્યાત ગાયિકા કૌશિકી ચક્રવર્તી અને મંજુ મહેતાના સિતારવાદને અમદાવાદને ‘સ્વરમય’ બનાવ્યું
અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતના રસીકો માટેનો અદભૂત કાર્યક્રમ ‘સ્વરમય’ યોજાયો. આ કાર્યક્રમને સ્વરના રસીકોએ મન ભરીને માણ્યો હતો. અમદાવાદના પંડિત દિનદયાળ ઓડિટોરીયમ ખાતે રવિવારે તા. ૧૨ ફેબ્રુઆરીએ સંગીતના મોટા ગજાના કલાકારોનો કાર્યક્રમ ‘સ્વરમય’ યોજાયો હતો.
‘સ્વરમય’ કાર્યક્રમ અંગે આયોજક જય દવે જણાવે છે કે, આ કાર્યક્રમમાં દેશના ખ્યાતનામ કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં કૌશિકી ચક્રવર્તી કે જેઓએ ઘણા સમય બાદ અમદાવાદમાં પર્ફોર્મન્સ આપ્યું છે. કૌશિકી ચક્રવર્તી વિશે વાત કરીએ તો, ભારતીય શાસ્ત્રીય ગાયીકીની ઉજ્જવળ પરંપરા હવે જે નવી પેઢીના હાથમાં સલામત છે
તે પૈકીના એક પતિયાલા ઘરાનાના સંગીત સાધક અને ભારતના અગ્રણીય શાસ્ત્રીય ગાયક અને ગુરુ પંડિત અજય ચક્રવર્તીના પુત્રી છે. તેમની સાથે સંગતમાં સારંગી પર ખ્યાતનામ મુરાદ અલી, હાર્મોનિયમ પર ઉચ્ચ કક્ષાના હાર્મોનિયમ વાદક અજય જોગલેકર અને તબલામાં દેશભરમાં જાણીતા અને યુવા વર્ગમાં ચાહના ધરાવતાં યુવા કલાકાર ઓજસ અઢીયા જોડાયા હતા.
જય દવેએ આ કાર્યક્રમ અંગે વધુમાં જણાવ્યું હતું કે, સ્વનામ ધન્ય એવા અને ગુજરાતમાં શાસ્ત્રીય સંગીતની ધરોહર જેમના હાથમાં છે તેવા મંજુબેન મહેતા કે જેઓ સપ્તકના ટ્રસ્ટી છે. તેમણે સીતારના તાર છેડીને હાજર સૌ કલારસીકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેમની સાથે સંગતમાં અમિતા દલાલ કે જેઓ પણ સારા સિતારવાદક છે અને તબલા પર યુવા કલાકાર સપન અંજારીયા જોડાયા હતા.
જ્યારે વિકાસ પરીખ કે જેઓ સંગીત માર્તંડ પંડિત જસરાજના પ્રમુખ શીષ્યમાંના એક છે જેઓએ હવેલી સંગીત સાથે રાગ છેડીને હાજર સૌને ભાવવિભોર કર્યા હતા જેમની સાથે તબલા પર અમદાવાદના જાણીતા તબલા વાદક પ્રવિણ શિંદે હાર્મોનિયમ પર દિપેશ સુથાર અને શ્યામલ પડીયા સંગતમાં જોડાયા હતા.
આ કાર્યક્રમના ઉદ્દેશ વિશે જય દવે જણાવે છે કે, ગુજરાત અને અમદાવાદમાં યુવાનો વધુને વધુ શાસ્ત્રીય સંગીત સાથે જોડાતા થાય કારણ કે શાસ્ત્રીય સંગીત એ ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. તેમજ યુવા કલાકારોને પ્રોત્સાહન મળી રહે તે માટેનું ‘સ્વરમય’ માધ્યમ બની રહે.
આ કાર્યક્રમમાં ઉચ્ચ ગજાના કલાકારોએ જ્યારે પોતાના અલગ અલગ પર્ફોર્મન્સ રજૂ કર્યા ત્યારે હાજર સૌ કલા રસીકો ખૂબજ ભાવવિભોર થયા હતા.