કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરનું મોત થાય તો સાઈટ સુપરવાઈઝર-એન્જીનિયર જવાબદાર ગણાય?
હેબતપુર રોડ પર આવેલી ઝેડ કોમર્શિયલ નામની કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરના મોત મામલે સાઈટ સુપરવાઈઝર સહિત ત્રણ સામે ગુનો દાખલ-મજૂરોને સેફ્ટીના સાધનો નહીં આપીને બેદરકારી દાખવવા બદલ પોલીસ ફરિયાદ
બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સાઈટ સુપરવાઈઝર, સેફ્ટી એન્જિનિયર કૃણાલ ખંડારે અને બિલ્ડિંગમાં બાંધકામ કરી રહેલી કંપનીના માલિકો વિરૂધ્ધ બેદરકારીની ફરિયાદ
(એજન્સી)અમદાવાદ, શહેરના થલતેજ વિસ્તારમાં બની રહેલા કોમર્શઇયલ બિલ્ડીંગમાં કામ કરી રહેલા બે મજૂર છઠ્ઠા માળેથી પટકાતાં એકનું મોત થયું હતું.
થોડા દિવસ પહેલાં બનેલી આ ચકચારી ઘટનામાં બોડકદેવ પોલીસે મોડી રાતે સાઈટ સુપરવાઈઝર, સેફ્ટી એન્જિનિયર સહિત ત્રણ લોકો વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધ્યો છે.
મજૂરોના જીવનું જોખમ હોવા છતાંય તેમને સેફ્ટીના સાધનો નહીં આપીને બેદરકારી દાખવી હતી,સેફ્ટીના સાધનો વગર મજૂરો કામ કરતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સિવાય અકસ્માત વખતે બચાવ માટે ઉપયોગી બનતી ગ્રીન નેટ પણ જૂની અનેટકાઉ નહીં હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
હેબતપુર રોડ પર આવેલી ઝેડ કોમર્શિયલ નામની સાઈટ પર મજૂર તરીકે કામ કરતા અને મૂળ બિહારના નાઝિર હુસેન શેખે બોડકદેવ પોલીસ સ્ટેશનાં કૃણાલ ખંઢોર (રહે. આવાસ એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા), દ્વારા સાઈટ સુપરવાઈઝર અને મનીષા કન્સ્ટ્રકશનના માલિક વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ કરી છે. નાઝીર અને તેની સાથે નાદીર શેખ ઝેડ લક્ઝુરિયા નામની સાઈટ પર સેન્ટિગનું કામ કરતાં હતા.
તા. ૧૬ માર્ચના રોજ બપોરે નાઝિર અને નાદીર બિલ્ડીંગના છઠ્ઠા માળ પર સ્લેબ બાંધતા હતા, તે સમયે સ્લેબ સ્ટેન્ડિંગ છટકી જતાં બંને નીચે પડ્યા હતાં. છઠ્ઠા માળથી પડતાં નાઝિરને હાથમાં ગંભીર ઈજા થઈ હતી, જ્યારે મહોમંદ નાદીરને માથાના ભાગે ઈજા થઈ હતી. કોમર્શિયલ બિલ્ડીંગમાં દુર્ઘટના બનતાં નાઝિર અને નાદીરને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.
સાઈટ પર કામ કરતા સેફટી એન્જિનિયર કૃણાલ કંડેરે બંનેને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. મોહમંદ નાદીરને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત થયું હતું.
જ્યારે નાઝિરને વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના બની તે દિવસે નાઝીર અને નાદીર સવારના આઠ વાગ્યે મજૂરીકામ પર લાગી ગયા હતા. બંને જણા બ્લિડંગનાં છઠ્ઠા માળ પર સ્ટેન્ડિંગનો સામાન ચઢાવતાં હતા. નાઝીર અને નાદીર બંને છઠ્ઠા માળેથી સ્ટેન્ડિંગ સાતમાં માળે ચઢાવવાની કામગીરી કરી રહ્યા હતા. છતની કિનારીથી ઉપરના માળે સેન્ટિંગની લોખંડની પાઈપો આપતાં હતાં ત્યારે બંનેએ સેફ્ટી બેલ્ડ પહેર્યાે હતો નહીં.
બંનેના પગ લપસી જતાં તે જમીન પર પટકાયા હતા. સેફ્ટી એન્જિનિયરે તમામ મજૂરને સેફ્ટીના સાધન નહીં આપતાં બેદરકારી દાખવી હતી. આ સિવાય બિલ્ડીંગના ત્રીજા માળે સેફ્ટી ગ્રીન નેટ લગાવી હતી, પરંતુ તે પણ જૂની હતી, જ્યારે નાઝિર અને નાદીર પડ્યા ત્યારે પહેલાં તેઓ સેફ્ટી ગ્રીન નેટ પર પડ્યા હતા, પરંતુ નેટ જૂની હોવાના કારણે તે તૂટી ગઈ હતી, જેથી બંને જમીન પર પડ્યા હતા.
નાઝઇરે આ મામલે ગઈકાલે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં સાઈટ સુપરવાઈઝર, સેફ્ટી એન્જિનિયર કૃણાલ ખંડારે અને બિલ્ડિંગમાં બાંધકામ કરી રહેલી કંપની વિરૂધ્ધ બેદરકારીની ફરિયાદ કરી છે. બોડકદેવ પોલીસે આ મામલે આઈપીસી ૩૦૪ (અ), ૩૦૮ તેમજ ૧૧૪ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
કન્સ્ટ્રક્શન સાઈટ પર સેફ્ટીના સાધન વગર કામ કરતાં મજૂરોની હાલત કફોડી છે. સેફટીનાં સાધનો પહેર્યાં નહીં હોવાના કારણે અકસ્માતની ઘટના થાય છે., જેમાં મજૂરોને મોતને ભેટવાના દિવસો આવલી ગયી છે. આવી ઘટનાઓમાં પોલીસ બેદરકારીનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરતી હોય છે.