સિવાનના મંદિરમાં પ્રવેશ વખતે નાસભાગમાં બે મહિલાનાં મોત
(એજન્સી)સીવાન, દેશના અમૂક રાજ્યોમાં શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે બિહારમાં શ્રાવણના પ્રથમ સોમવારે મોટી દુર્ઘટના બની છે. આ ઘટના સિવાનની છે જ્યાં ઐતિહાસિક મહેન્દ્રનાથ મંદિરમાં પ્રવેશ દરમિયાન થયેલી નાસભાગ દરમિયાન ભીડમાં ફસાઈ જવાથી બે મહિલાઓના મોત થઈ ગયા છે
જ્યારે બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટનાથી થોડી વાર માટે મંદિર પરિસરમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ઘાયલ થયેલી બંને મહિલાઓને સીવાન લદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. શ્રાવણના પ્રથમ સોનવારના કારણે ભગવાન શિવ પર જળાભિષેક કરવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી હતી.
જળાભિષેક માટે ભક્તોની ભીડ મંદિરમાં પ્રવેશી રહી હતી, તે દરમિયાન ભીડમાં ત્રણેય મહિલાઓ દટાઈ ગઈ હતી, જેમાંથી બે મહિલાઓનું શ્વાસ રૂંધાવાથી મોત થયું હતું અને બે મહિલાઓ ભીડમાં કચડાઈને પડી જવાને કારણે ઘાયલ થઈ ગઈ હતી. મંદિર પરિસરમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ ભીડને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો અને પરિસ્થિતિને સામાન્ય બનાવી હતી.
મૃતકની ઓળખ લીલાવતી દેવી તરીકે થઈ છે જે હુસૈનગંજના પ્રતાપપુર ગામની રહેવાસી છે જ્યારે અન્ય મૃતક મહિલાનું નામ સોહગમતી દેવી છે જેઓ જીરાદેઈ બ્લોકના પઠાર ગામના રહેવાસી હોવાનું કહેવાય છે.