૨૩.૭૬૨ કિલો ચરસ સાથે ઝડપાયેલા છ આરોપીઓને ૧૨ વર્ષની કેદની સજા

અમદાવાદ, વસ્ત્રાલમાં એસ.પી. સિંગ પાસેથી ૨૩.૭૬૨ કિલો ચરસના જથ્થા સાથે પકડાયેલા જમ્મુ-કાશ્મીરના આરોપી સહિત છને કોર્ટે ૧૨-૧૨ વર્ષની સજા ફટકારી છે.
જ્યારે દરેક આરોપીને એક -એક લાખ રૂપિયા દંડ ફટકાર્યાે છે. કોર્ટે આરોપીઓને ગુનેગાર ઠરાવતા નોંધ્યુ હતુ કે, ખૂનથી એક-બે વ્યકિતઓના મૃત્યુ થાય છે, જ્યારે ડ્રગ્સની લત સબબ વ્યક્તિ પોતે બરબાદ થાય છે સાથે કુટુંબને બરબાદ કરે છે. જેના લીધે સમાજ પણ બરબાદ થાય છે.
ઘણા સમયથી જુદી જુદી જગ્યાએથી પકડાયેલા ડ્રગ્સ તથા માદક પદાર્થાેની ક્વોન્ટિટી લક્ષ્યમાં લેતા આ પ્રકારના ગુના ખૂબ જ વધી ગયા છે. જે સમાજ માટે ચિંતાનું કારણ બનેલા છે. આ બદીનો શિકાર સૌથી વધુ તરુણો, કિશોરો તેમજ યુવાનો બની રહ્યા છે.
જેના લીધે દેશનું યુવાધન આ ડ્રગ્સની આદતથી ખૂબ જ ગંભીર અસર પામે છે.એનસીબીના અધિકારીઓને બાતમી મળી હતી કે, જમ્મુ-કાશ્મીરથી એક ટ્રકમાં ચરસનો જથ્થો ઊંઝા-મહેસાણા થઈને અમદાવાદ આવી રહ્યો છે, જેના આધારે વસ્ત્રાલ એસપી રિંગ રોડ ઉપર વોચ રાખી હતી.
એનસીબીના અધિકારીઓએ ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ના રાતના જમ્મુ-કાશ્મીરની પસાર થતી ટ્રકને રોકીને તપાસ કરતા ૬૦૦ સફરજનના બોક્સ મળી આવ્યા હતા, આ પછી એનસીબીના અધિકારીઓએ કંડક્ટરની સીટ અને ડ્રાઈવરની કેબિનમાં બનાવેલ રેકમાંથી કાર્ટુનના કુલ ૨૩ બોક્સ મળી આવ્યા હતા.
જેમાં કુલ ૨૩ કિલો ૭૬૨ ગ્રામ ચરસનો જથ્થો હતો. આ ચરસનો જથ્થો લેવા માટે પોરંબદરના આવેશખાન હાસીમખાન પઠાણ મારુતી લઈને આવ્યો હતો. જે ચરસના જથ્થામાંથી જૂનાગઢના મકબુલ યુસુફભાઈ મહિડા અને વાહીદ હસનભાઈ પંજા ઉર્ફે વાહીદ મામાને આપવાનો હતો.
એનસીબીએ તપાસ કરીને કુલ છ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકયું હતુ. કેસ ચાલતા એનસીબીના ખાસ એડવોકેટ અખિલ દેસાઈએ છ સાક્ષીઓ અને ૯૫ દસ્તાવેજોના આધારે કેસ સાબિત કરીને કોર્ટને જણાવ્યુ હતુ કે, ડ્રગ્સની હેરાફેરીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે.
આરોપીઓ પાસેથી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું પુરવાર થયુ છે. આવા કિસ્સામાં સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકાવી જોઈએ.
ત્યારબાદ કોર્ટે જમ્મુ-કાશ્મીરના મોઈન ઉલ અશરફ શેખ, મોહંમદ ઈર્ફાન ગુલામ નબી ચોપાન, રાજ રમીજ શબ્બીર અહેમદ ખાન ,પોરંબદરના આવેશખાન હાસીમખાન પઠાણ, જુનાગઢના મકબુલ યુસુફભાઈ મહિડા અને વાહીદ હસનભાઈ પંજા ઉર્ફે વાહીદ મામાને ગુનેગાર ઠરાવીને ૧૨ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.SS1MS