ભારતની પાંચ દીકરીઓ સહિત છ ચેસ ખેલાડીઓએ મેડલ્સ-ઇનામો જીત્યા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગિફ્ટ્સિટી ગાંધીનગરમાં ફિડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૪નો સમાપન સમારોહ સંપન્ન-૪૬ દેશોના ૨૨૫થી વધુ ખેલાડીઓ સહભાગી થયા
આ ચેમ્પિયનશિપના વર્લ્ડ લેવલના ખેલાડીઓ અનુભવ-જ્ઞાન કૌશલ્યનો લાભ પોતાના દેશ-રાજ્યના ઉભરતા ખેલાડીઓને આપે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નું પ્રેરક આહવાન -: શ્રી ભૂપેન્દ્ર પટેલ :-
• વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં સ્પોર્ટ્સ સેક્ટરમાં મોટો બદલાવ આવ્યો છે. ખેલાડીઓને યોગ્ય મંચ-બહેતર સુવિધા અને શ્રેષ્ઠ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળતું થયું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટસિટી ક્લબમાં આયોજિત ફિડે વર્લ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૪નું સમાપન કરાવતાં પ્રેરક આહવાન કર્યું કે, આ સ્પર્ધાના વર્લ્ડ લેવલના ખેલાડીઓ તેમના અનુભવ અને જ્ઞાન કૌશલ્યનો લાભ પોતાના દેશ, રાષ્ટ્ર, રાજ્યના ઉભરતા ખેલાડીઓને આપે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, આવા શ્રેષ્ઠ ખેલાડીઓ ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગથી પોતાની સ્થાનિક ભાષામાં જે તે દેશના ખેલાડીઓ સાથે રમત-ગમતના જ્ઞાનનું આદાન-પ્રદાન કરે તે જરૂરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના સહયોગથી ગિફ્ટસિટીમાં આ ચેમ્પિયનશિપના આયોજનને ગુજરાત માટે ગૌરવ ઘટના ગણાવી હતી.
તેમણે ચેસની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા ૧૦ પુરૂષ અને ૧૦ સ્ત્રી ખેલાડીઓની શ્રેષ્ઠતાને બિરદાવતાં પુરસ્કાર, ટ્રોફી અને મેડલ્સ એનાયત કર્યા હતા.
૪૬ દેશોના સવા બસોથી વધુ ખેલાડીઓ આ ચેમ્પિયનશિપમાં સહભાગી થયા હતા. ભારતની પાંચ દીકરીઓ સહિત છ ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં પદક, ઇનામ હાંસલ કર્યા હતા. ભારત ઉપરાંત અર્મેનિયાના-૩, રશિયાના-૩, અઝરબૈજાનના-૨, કઝાકિસ્તાનના-૧, જર્મનીના-૧, કોલંબિયાના-૧, ફિલિપિન્સના-૧ અને સ્વિત્ઝર્લેન્ડના-૧ એમ કુલ મળી અન્ય ૧૪ દેશોના ખેલાડીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યની સ્થાપનાના સ્વર્ણિમ જયંતી વર્ષમાં સ્વર્ણિમ ચેસ મહોત્સવનું સફળ આયોજન કર્યું હતું તેનું સ્મરણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ખેલ મહાકુંભ’ની શરૂઆત કરાવી રાજ્યની ખેલ પ્રતિભાઓને આગવો મંચ પૂરો પાડ્યો છે.
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી હવે દેશભરમાં ‘ખેલો ઇન્ડિયા’ અભિયાન સફળ થયું છે. દેશના સ્પોર્ટ્સ સેક્ટરમાં મોટો બદલાવ આવ્યો છે. એટલું જ નહીં, ખેલાડીઓને નીખરવાનો યોગ્ય મંચ, શ્રેષ્ઠ સુવિધા, બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું છે તે વડાપ્રધાનશ્રીના વિઝનનું જ પરિણામ છે એમ તેમણે કહ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે, રમત-ગમતમાં હાર-જીત તો થાય પરંતુ ખરેખર તો એમાં વર્તમાન વિજેતા અને ભવિષ્યના વિજેતા હોય છે. તેમણે સૌ ખેલાડીઓના ઉજ્જવળ ભવિષ્યની કામનાઓ પણ વ્યક્ત કરી હતી.
આ સમાપન સમારોહમાં વર્લ્ડ ફિડે ચેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ, ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના પ્રેસિડેન્ટ શ્રી નારંગ તથા ગુજરાત ચેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી દેવ પટેલ, ચીફ આરબીટર શ્રી આશોટ સહિતના પદાધિકારીઓ, ચેમ્પિયનશિપમાં સહભાગી દેશોના ખેલાડીઓ, ચેસ પ્રેમીઓ, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.