ખેડા જિલ્લાના ૮૦૦ આરોગ્ય કર્મચારીઓ 10 દિવસ સુધી કામગીરીના રિપોર્ટ સબમિટ નહીં કરે

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) આરોગ્ય કર્મચારીઓને ઓનલાઈન તેમજ ઓફલાઈન તમામ પ્રકારની કામગીરીનો બહિષ્કારનું એલાન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે કર્યું છે. જેમાં ખેડા જિલ્લાના જિલ્લા પંચાયત તમામ આરોગ્ય કર્મચારીઓ જોડાયા છે.
જેમાં જિલ્લાના ૧૦ તાલુકાઓના અંદાજે ૮૦૦ જેટલા કર્મચારીઓ કામગીરીના રિપોર્ટીગના બહિષ્કારમા જોડાયા છે. કામગીરી ચાલુ પણ રીપોર્ટ નહીં કરાય તેવી ચિમકી ઉચ્ચારી છે.આજે આરોગ્ય કર્મચારીઓ ઓનલાઇન અને ઓફલાઈનની કામગીરીના રીપોર્ટ સબમિટ કર્યા ન હતા
આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો છેલ્લા પાંચ વર્ષથી વણઉકેલ્યા રહેતા કર્મચારીઓની રોષનો જવાળામુખી ફાટી નિકળ્યો છે. જે અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ બુધવારના રોજ માસ સીએલનું શસ્ત્ર ઉગામીને આરોગ્ય સેવાઓને ડામાડોળ કરી દીધી હતી. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓના હિતમાં કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.
આથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે તારીખ ૭મી, શુક્રવારથી તમામ આરોગ્ય કર્મચારીઓને સરકારની ઓનલાઇન તેમજ ઓફલાઈન તમામ પ્રકારની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. આ ઉપરાંત કર્મચારીઓને પોતાના અંગત ડિવાઈસમાં કોઇપણ એપ્લિકેશન અધિકારીના લેખિત કે મૌખિક આદેશથી ડાઉનલોડ કરીને કામગીરી નહીં કરવા કર્મચારીઓને અપીલ કરવામાં આવી છે.
ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ અમરભાઈ વાઘેલાએ જણાવ્યું કે, અમારી તમામ કામગીરી ચાલુ છે પરંતુ જે રીપોર્ટ અધિકારીઓને આપવામાં આવતો હોય છે તે રીપોર્ટ આગામી ૧૦ દિવસ સુધી નહીં આપીએ, અને જો આગામી સમયમાં અમારી માંગણી નહીં સ્વીકારાય તો અચોક્કસ મુદતની હડતાળનુ પણ એલાન આપીશું.
આ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બાબતે પુછતા તેમણે જણાવ્યુ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારી આરોગ્યલક્ષી તમામ યોજનાઓની ઓનલાઇન અને ઓફલાઈન કામગીરી બહિષ્કાર કરાયો છે. તેમાં ટેકોની કામગીરીમાં વેક્સીનેશન, સગર્ભા માતાઓ, ડિલિવરી, બાળકોને રસીકરણ, સગર્ભા માતાની નોંધણી અને મુલાકાત, ડિલેવરીની નોંધણી, ડિલિવરીની હોમ વિઝીટ,
પોસ્ટનેટલ નોંધણી તેમજ પોસ્ટનેટલની મુલાકાત, આઈએચઆઈપીમાં મલેરિયાની એન્ટ્રી, કોઇપણ રોગચાળાની એન્ટ્રી, કુંટુંબનિયોજનની, પી૧પી૨ રિપોર્ટગ, ટીબીના દર્દીઓ દવાઓ લેશે. ગળફાની તપાસ, હિસ્ટ્રી, એક્સરેની એન્ટ્રી, પીએમજેવાયકાર્ડ, આભા કાર્ડ, પીએમએમવીવાય, ૭૦ પ્લસવાળા વય વંદનાના કાર્ડ કાઢવાની કામગીરી અટકી પડી છે.