રાજકોટમાં ઓનલાઇન જૂગારના પ્રચાર થકી કમાણી કરતા છ ઇન્ફલુએન્સર ઝડપાયા

રાજકોટ, રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર દ્વારા વેપાર-ધંધાની જાહેરાતની સાથે સાથે ઓનલાઈન જુગારની ગેમોનું પ્રમોશન કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ પ્રવૃત્તિને ડામવા માટે સાયબર ક્રાઈમ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.
ગતરોજ બે ઈન્ફ્લુએન્સરની ધરપકડ કર્યા બાદ, પોલીસે વધુ છ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સામે ગુના નોંધ્યા છે.કાલાવડ રોડ જડ્ડુસની પાછળ રહેતાં નિલેષ મનસુખભાઇ ચાવડા (ઉ.૨૮) સામે ઇન્સ્ટાગ્રામ આઇડી નિલચાવડા ઓફિશીયલ પ્રોફાઇલ પર રાજાગેમ નામની ઓનલાઇન બેટીંગની વેબસાઇટની લિંક મુકી લોકોને ગેમીંગ રમવા પ્રોત્સાહન પુરો પાડવાનો ગુનો નોંધાયો છે.
નીલે પોતાની આઇડીમાં મુકેલી જૂગારની ગેમને લગતી લિંક ખોલતાં જ લોટરી સ્પોર્ટસ કેસીનો સ્લોટ્સ વગેરે ગેમ્બલીંગ રમવા માટેનું પેજ ઓપન થતું હતું.
નવાગામ આણંદપર સાત હનુમાન સામે રહેતાં ભાવેશ મુકેશભાઇ રાઠોડ (ઉ.૨૫),રાજકોટના શુકલ પીપળીયા ગામે રહેતો લક્ષમણ સુરેશભાઇ જંજવાડીયા (ઉ.૩૦),જંગલેશ્વર મેઇન રોડ રાધાકૃષ્ણનગર-૫માં રહેતો વિજય મનસુખભાઇ મજેઠીયા (ઉ.૩૨) તેમજ શીવનગર-૧૨માં રહેતાં સાગર કિશોરભાઇ છૈયા પોતાની ઇન્સ્ટાગ્રામ આઇડીમાં સ્કાય ૩૬૫ નામની ઓનલાઇન ગેમીંગની લિંક મુકી જૂગાર રમવા લોકોને પ્રોત્સાહીત કરતા હોઇ ગુનો નોંધાયો છે.
છઠ્ઠો ગુનો આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટી-૧માં રહેતાં ઇલેશ કિશોરભાઇ ડેરવાડીયા (ઉ.૨૦) સામે નોંધાયો છે. તે પોતાની આઇડી પર ૧૧વિન નામની ઓનલાઇન જૂગારની ગેમની લિંક મોકલી ચાર્જ વસુલતો હતો.SS1MS